પ્રસ્તાવના:-
''સમૃદ્ધિથી ભવ્યતા આવે, સ્વચ્છતાથી દિવ્યતા આવે.''
સત્ય અને અહિંસાના જોરે ભારતને આઝાદી અપાવનાર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો. તેઓ માનતા હતા કે,
''સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં પવિત્રતા,
સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા.''
જાહેર સ્વાસ્થ્યસભર જીવન માટે સ્વચ્છતા નું ઘણું મહત્વ છે. તે માટે સ્વચ્છતાના સુંદર સૂત્રને જીવનમાં ઉતારવા જોઈએ.
''સ્વચ્છ મારું આંગણું, સ્વચ્છ ઘરનો ચોક,
સ્વચ્છ મારું શરીર, સ્વચ્છતા સર્વે લોક.''
શરીરની સ્વચ્છતા :-
આપણે જાણીએ છીએ કે સ્વચ્છ તનમાં સ્વચ્છ મન વસે છે. આપણે આપણી શારીરિક સ્વચ્છતા સાથે કપડાની સ્વચ્છતા પણ રાખવી જોઈએ. શારીરિક સ્વચ્છતાથી આપણું મન સ્વસ્થ રહે છે. તાજગીનો અનુભવ કરે છે. માટે તન અને મનને સ્વસ્થ રાખવા સ્વચ્છતા અતિ આવશ્યક છે.
શારીરિક સ્વચ્છતા બાદ ઘરની સ્વચ્છતા પણ જરૂરી છે. પાણી,વાસણો,ફ્રીજ,ખોરાક,પાણીયારું વગેરે સ્વચ્છ રાખવાથી આરોગ્ય જળવાય છે. ઘરના આંગણા ની સ્વચ્છતા માટે રસ્તા, શૌચાલય, પાણીના પરબ, ખાડા ખાબોચિયાની ગંદકી દૂર કરવી જોઈએ. તેમજ જાહેર સ્થળો જેવા કે નદી, તળાવ, કૂવા, વાવ, ધાર્મિક સ્થળો, દવાખાના, જાહેર સૌચાલય વગેરેની સ્વચ્છતા પણ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી-બારણા, છત, દીવાલો વગેરે નિયમિત સફાઇ કરવી જોઇએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલૂ હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી.
ઘર મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો :-
ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે જ કચરાપેટીઓ ની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ.
ઉત્તર બુનિયાદી શાળાઓ નું સૂત્ર સફાઈ નું મહત્વ સમજાવે છે. તેમજ-
''મારું જીવન એ જ મારો સંદેશ.''
ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો :-
આ પ્રેરણા આપનાર મહાત્મા ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું છે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવવા માટે પોતે વહેલી સવારે સફાઈ કરવા લાગી જતો. આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવું એ મહાન યજ્ઞકાર્યમાં જોડાવા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉદાહરણરૂપ છે.
''કેળવણી હશે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં,
સ્વચ્છતાનો માર્ગ બતાવે છે કેળવણી.''
ગામડા અને શહેરોની સ્થિતિ :-
ગામડાના બનેલા આપણા દેશમાં સાત્વિક શિક્ષણના અભાવે ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ખુલ્લામાં હાજતે જવું અને જ્યાં ત્યાં ગંદકી કરવાથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. જેથી લોકો રોગના ભોગ બને છે. ગામડાના નિરક્ષર ની સાથે શહેરના શિક્ષિત લોકો પણ સ્વચ્છતા નું મહત્વ સમજતા નથી. ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને જ્યાં ત્યાં એઠવાડ નાખવાના લીધે શહેરી વિસ્તારોમાં પણ ગંદકીના ઢગ નજરે પડે છે. આ માટે નીચેની ઉકતી યોગ્ય લાગે છે,
''ગંદગી આપણો રાષ્ટ્રીય વિનાશક રોગ છે.''
સ્વચ્છતા ની જવાબદારી :-
ગ્રામ પંચાયત કે નગરપાલિકાના કર્મચારીઓ ના પ્રયત્નોથી સ્વચ્છતા નું કાર્ય સફળ બની શકે નહીં. તે માટે સર્વે એ સ્વેચ્છાએ આ સત્કાર્ય માં સત્વરે જોડાઈ જવું જોઈએ. નહિતર-
''ગંદકી એ માંદગીની આમંત્રણ પત્રિકા છે.''
પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તો કેટલાક લોકપ્રિય નેતા, અભિનેતા, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા આ કાર્યના ફેલાવવામાં સહયોગ મળી રહ્યો છે. સાથે સાથે સરકારે સખત અને કાયદાઓનો કડક રીતે પાલન કરાવવું પણ જરૂરી છે. શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે સૂત્ર લેખન દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયત્નો થઈ શકે છે.
વિદેશોમાં સ્વચ્છતા :-
વિશ્વમાં કેટલાક દેશોની સરકાર અને લોકોની સ્વૈચ્છિક સ્વચ્છતાની સમજણને કારણે સ્વાસ્થ્યની સુખાકારી સારી જોવા મળે છે. સમગ્ર તંત્રની સાથે સમાજ પણ જાગૃત હોવાને કારણે જાહેર આરોગ્ય જોખમાતું નથી. આપણા દેશમાં પણ સરકારી તંત્રને લોકોમાં આવી સમગ્રતા આરોગ્ય માટે જાગૃતિ આવશે તો જાહેર સ્વાસ્થ્ય સુખમય બની શકશે.
અમેરિકામાં એક વાર ફળના કરંડિયા માંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઉંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે.
ઉપસંહાર :-
આપણા વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 2019 માં આવતી ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ભારતને 'સ્વચ્છ ભારત' બનાવવા 'સ્વચ્છતા અભિયાન' ની જાહેરાત કરીને સ્વચ્છતા નું મહત્વ દેશના છેવાડાના મનુષ્ય સુધી લઇ જવાનો સાહસનીય પ્રયાસ કર્યો છે. તો 'શુભસ્ય શીઘ્રમ' ની જેમ ચાલો તન-મન-ધન થી દેશને સ્વચ્છ બનાવવા લાગી પડીએ. સ્વામી વિવેકાનંદ ના સૂત્ર ને સ્મરણ માં રાખીએ.
''ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.''