પ્રસ્તાવના:-
ઉપનિષદમાં એક સુંદર રત્નકણિકા છે,
'' માતૃ દેવો ભવઃ''
''જનની જન્મભૂમીશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી''
અર્થાત-
''માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે."
''ઉસકો નહીં દેખા હમને કભી,પર ઇસકી જરૂરત ક્યા હોગી?
અય માં,તેરી સુરત સે અલગ, ભગવાન કી મુરત ક્યા હોગી?''
માતાના સ્નેહની મહત્તા:-
માતા ના અગાધ પ્રેમ માં ઈશ્વરની કરુણાનું જ એક ઝલક જોવા મળે છે. માતાના વાત્સલ્યથી વધુ ઉમદા અને દેવી તત્વ આ જગતમાં બીજું કોઈ નથી. માતાના સ્નેહની મહત્તા ગાતા કવિ શ્રી બોટાદકર એ લખ્યું છે કે,-
''વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે,
જનનીની જોડ, સખી નહી જડે રે લોલ."
ખરેખર જગતના સૌવ સ્નેહસંબંધોમાં માતૃપ્રેમ નું સ્થાન અનન્ય છે. કોઇ કવિએ સાચું જ કહ્યું છે કે,-
''જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.''
માતાના અનન્ય ત્યાગ અને વાત્સલ્ય:-
માતા ખૂબ જ દુઃખ વેઠીને બાળકને જન્મ આપે છે. તેનું જીવથીયે વધુ જતન કરે છે. બાળકને કંઈ તકલીફ ન પડે તેની ચિંતામાં અડધી થઇ જાય છે. બાળકને રડવાથી કે બીમાર પડવા થી માતા ખાવા-પીવાનું કે ઊંઘવાનું પણ ભૂલી જાય છે અને તેનું કાળજું કપાઈ જાય છ, જીવ તાળવે ચોંટી જાય છે, બાળકના ઉત્તમ ઉછેર, વિકાસ અને સંસ્કાર સિંચનની પાછળ તે પોતાનું સત્વ નીચોવી નાખે છે. તે કોઈ પણ સ્વાર્થ વિના માત્ર પ્રેમ મમતા અને વાત્સલ્યથી પ્રેરાઈને આ બધું કરે છે. ખરેખર માતાના ત્યાગ અને વાત્સલ્ય કોઈ સીમા નથી હોતી. એક કહેવત છે કે,-
''માં તે માં ! બીજા બધા વગડાના વા !''
માતાનો નિસ્વાર્થ પ્રેમ:-
પોતાના બાળકો પ્રત્યે માતાનો પ્રેમ સ્વાર્થ વગરનો હોય છે. સામાન્ય રીતે માતાને તેના બધા બાળકો પ્રત્યે સરખો પ્રેમભાવ હોય છે. સંતાન અપંગ હોય, કદરૂપું હોય કે ઓછો બુદ્ધિ હોય તો પણ માતાના વાત્સલ્ય માં જરાય ઓટ નથી આવતી.એ કહેવત છે કે,-
''છોરુ કછોરુ થાય, પણ માવતર કમાવતર ન થાય.''
બાળકના ઘડતરમાં માતા નો ફાળો:-
બાળકો માત્ર ભૌતિક દેહ જ નહીં,સંસ્કાર દેહ પણ માતા ઘડે છે. બાળકના માનસિક ઘડતરમાં માતાનો પ્રભાવ સૌથી ઊંડો હોય છે. શિક્ષકો તો બાળકને માત્ર પુસ્તક ની કેળવણી જ આપે છે, પરંતુ બાળકને જીવનલક્ષી કેળવણી તો માતા પાસેથી જ મળે છે. માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. તેથી જ કહેવાયું છે કે,-
''એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે.''
છત્રપતિ શિવાજી, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક જેવા મહાપુરુષોના જીવન ઘડતરનો શ્રેય તેમની માતાઓ ને ફાળે જાય છે.અહી આ પંક્તિઓ લાગે છે,
''માં એ વિશ્વનું સર્વોત્તમ તીર્થસ્થાન છે.''
''માતાના ચરણ તળે છે સ્વર્ગ છે.''
માતૃપ્રેમ થી વંચિત રહેનાર બાળક એના જીવનમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ રહી જાય છે. કવિવર પ્રેમાનંદ એ યથાર્થ કહ્યું છે,
''ગોળ વિના મોળો કંસાર,
મા વિના સુનો સંસાર.''
એક કવિ એ પણ સાચું જ કહ્યું છે કે,
''સો સો ઉગે સૂરજ, ચંદા ઊગે હજાર,
ચંદા સુરજ હો ફિર ભી માત બીના ઘોર અંધાર.''
જગત પર શાસન કરનારાઓના હદય અને જીવન પર માતાના સ્નેહનો અને સંસ્કારોનું અજબ શાસન ચાલે છે. કોઈ કવિની પંક્તિ અર્થ લાગે છે,
''જે કર ઝુલાવે પારણું, તે જગત શાસન કરે.''
પશુ-પક્ષીઓમાં માતૃપ્રેમ:-
મનુષ્યની જેમ પશુ-પક્ષીઓમાં પણ માતૃપ્રેમ અત્યંત પ્રબળ હોય છે. ચકલી પોતાના બચ્ચાને ન જોતા વ્યાકુળ થઈ ચી... ચી… કરી મૂકે છે. પોતાના વાછરડાને ન જોતાં ગાય પણ કેવી બેબાકળી થઇ ને ભાંભરવા લાગે છે. ખરેખર, માતૃ સ્વરૂપ સર્વત્ર ભવ્ય, મંગલ અને કલ્યાણકારી જ હોય છે.
ઉપસંહાર:-
ખરેખર, માતાનો પ્રેમ અજોડ અને અનન્ય છે. સર્વત્ર નિસ્વાર્થ અને કલ્યાણકારી મમતામયી માતૃપ્રેમ ના દર્શન થાય છે.
''હાડ હાડ માં હેત ભર્યું જેને ;
વેણ વેણ વરદાન,
દેખ, ઘરે ઘર એજ વિરાજે,
ભૂતકાળ માં ભગવાન.''