પ્રસ્તાવના :-
ભારતીય ભાષાઓની જનની સંસ્કૃતમાં રત્નકણિકા છે કે,
''યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ,
યત્રેતાતું ન પૂજ્યન્તે સર્વાસ્ત્ત્રાવુલા ભયા.''
અર્થાત,
જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં, દેવતાઓનો વાસ થાય છે. જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ જાય છે.
પ્રાચીનકાળથી કુળ ના વારસ તરીકે દીકરાને મહત્વ આપવામાં આવે છે, જ્યારે દીકરી માટે તો,
''દીકરી ને ગાય દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય.''
આવી એક તરફી માન્યતા અયોગ્ય છે. દીકરો ઘરનો દીવડો છે તો દીકરી પણ ઘરની દીવડી છે.
દીકરીની સમાજમાં ઉપેક્ષા :-
દીકરી વહાલનો ભર્યોં ભર્યોં દરિયો છે.છતાં સમાજમાં દીકરી પ્રત્યે ઉપેક્ષા ભર્યુ વલણ જોવા મળે છે. જે સમાજની કમનસીબી છે. કેટલાંક રૂઢિચુસ્ત સમાજોમાં દીકરીને 'પારકી થાપણ', 'સાપનો ભારો', 'પારકા ઘરની લક્ષ્મી' વગેરે કહીને તેના આત્મા સન્માનને ઠેસ પહોંચાડે છે. દીકરા પ્રત્યે પક્ષપાત દીકરીના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા માત્ર દીકરી જ કરે એ ભાવના દરેક સમાજમાં જોવા મળે છે. માત્ર દીકરો જ વંશવેલો વધારી શકે કે,તર્પણ કરી શકે તેવી રૂઢિઓને લીધે દીકરી ની અવગણના થાય છે. સમાજની કરુણતા છે કે આજે પણ સમાજમાં દીકરી ને જવાબદારી અને દીકરાને મૂડી કહે છે, પરંતુ દીકરીને સાપનો ભારો કહેતા સમાજને કવિ શ્રી બાલમુકુન્દ દવે માર્મિક ટકોર કરે છે કે,
''દીકરી નથી સાપનો ભારો,
દીકરી તો છે તુલસીનો ક્યારો.''
''દીકરો વારસ છે તો દીકરી પારસ છે,
દીકરો વંશ છે તો દીકરી અંશ છે,
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે,
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે.''
પિતાની લાડકી દીકરી :-
''દીકરી એટલે વહાલનો દરિયો,
દીકરી એટલે ઘરનો ઉજાસ.''
પ્રસિધ્ધ કથાકાર મોરારિબાપુએ કહ્યું છે કે,
''દીકરો પિતાનું રૂપ છે તો દીકરી પિતાનું સ્વરૂપ છે,
દીકરો પિતાનો હાથ છે તો દીકરી પિતાનું હૈયુ છે.''
એવી કહેવત છે કે, 'બાપ તેવા બેટા' પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે. દીકરીના વહાલને ઝાંખી કન્યાવિદાય વખતે જોવા મળે છે.દીકરીની ઝાંઝરીના રૂમઝૂમ રણકાર થી પિતાનું હૈયું બધા દુઃખ વિસરી જાય છે. એવું કહેવાય છે કે જો રાવણને દીકરી હોત તો ક્યારે લંકા નો નાશ ન થાત. કારણકે બાપના અભિમાનને દીકરી મીણ ની જેમ ઓગાળી નાખે છે. કોઇ કવિએ કહ્યું છે કે,
''દીકરી છે પિતાના દિલમાં જન્મેલું શમણું,
વિયોગના આસુના વહેણમાં થીજી ગયેલ શમણું.''
સ્ત્રીભૂણ હત્યા અને સામાજિક અસમતુલા :-
જન્મ પહેલાં ગર્ભ પરીક્ષણ કરીને,સ્ત્રીભ્રૂણ એટલે કે દીકરીને જન્મતા પહેલા જ ગર્ભપાત કરાવી ને મારી નાખવાનો પાપ સમાજ કરી રહ્યો છે. ગર્ભ પરીક્ષણ દ્વારા લિંગ ઓળખ વિરુદ્ધ કાયદો હોવા છતાં આજના પૈસા ભૂખ્યા ડોક્ટરો પૈસાની લાલચ ને કારણે અધર્મ આચરી રહ્યા છે.
વર્ષ ૨૦૦૧ ની વસ્તી ગણતરી અને ૨૦૧૧ની વસ્તીગણતરીમાં સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ સ્ત્રીભૃણ હત્યા જ છે.આ અસમતુલા ને કારણે સામાજિક અવ્યવસ્થા અને ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દીકરી પ્રત્યેનો ભેદભાવ નહિ બદલીએ તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. કોઇ કવિએ સાચું જ કહ્યું છે કે,
''દીકરીને અવતરવા દેશો, દેવી અવતરશે તમ ઘેર,
જીવનનું કલ્યાણ થશે, દિવ્ય બનશે તમ પરિવાર.''
ચેતવણીની ઘંટી સામે જાગૃતિ ની અસર :-
અજ્ઞાનતાને કારણે હજુ પણ સ્ત્રીઓ ગર્ભપરીક્ષણ કરાવે છે.જો ગર્ભમાં દીકરી હોય તો તેની હત્યા કરવામાં આવે છે. આ વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. દીકરીઓના અભાવે અનેક યુવાનોને કુંવારા રહેવું પડશે માટે દીકરીને જન્મવા દો, એક પંક્તિ યથાર્થ છે,
"દીકરીઓ નથી મોતના કૂવા, દીકરીઓ તો છે દેવો ની દુઆ.''
વર્તમાન સમયમાં સમાજ અને મા-બાપ જાગૃત થયા છે અને દીકરી પ્રત્યે લાગણી દર્શાવે છે. છતાં હજુ સ્ત્રીભૃણ હત્યા અટકી નથી. સરકારે કડક રીતે કાયદાનું પાલન કરાવવું પડશે,સ્ત્રીઓએ જાગૃત થવું પડશે, સમાજે તેમને ધિકારવા પડશે.
''દીકરી એટલે બળતી બપોરે ટાઢા પાણીની છાલક.''
ઉપસંહાર :-
દીકરી વિના આખો સંસાર સુનો છે, દીકરી વિનાનું ઘર સ્મશાન જેવું છે, પુષ્પો વિનાના બાગ જેવું છે. દીકરી નું હદય એ ઉપવનમાં ખીલેલા કુમળા ફૂલ જેવું હોય છે, જેની ફક્ત થોડી માવજત કરવાની જરૂર છે. કેમ કે દીકરી વહાલનો દરિયો છે, ઘરની દીવડી છે અને ઘરની રૂડી મૂડી પણ છે.
‘’Daughter is not tension,
Daughter is equal to ten-son.’’