પ્રસ્તાવના:-
દિવસભર પ્રવૃત રહેવા માટે જેમ તાજગીભરી સવાર આવશ્યક છે, તેમ દિવસભર કામકાજમાં વ્યસ્ત રહ્યા પછી વિસામો લેવા માટે સાંજ પણ જરૂરી બને છે. ઋતુએ ઋતુએ સવાર અને સાંજ ના નવાનવા રૂપો પ્રગટે છે. તેમાં પણ વર્ષાઋતુની દરેક સાંજના સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે.
વર્ષાની સાંજના વિવિધ દ્રશ્યો:-
વર્ષાના સાંજના નવા નવા રૂપો ખરેખર મન ભરી ને માણવા જેવા હોય છે.
"ફૂલો કહી રહ્યા હતા ઉડતા વિહંગને'
વર્ષા ની સાથે માણીએ પેહલી સુગંધને."
વર્ષા ની સાંજ ના વિવિધ રૂપો જોવાની અને માણવાની મજા અનેરી હોય છે. સંધ્યાના આવા અવનવા કેટલીક ખસીયતો સર્વસામાન્ય હોય છે. સાંજ ના સમયે મંદિરો માં આરતી થતી હોય છે. તેની જાલર ના રણકાર અને ઘંટરાવ વાતાવરણ ને પવિત્ર બનાવી દેતા હોય છે. એજ રીતે ખેતર છે પાછા ફરતા ખેડૂતો અને ચરાણે થી પાછા વળતા ધણ સાંજને જીવંત બનાવી દે છે. ગાયોને કોર્ટે બાંધેલી ઘંટડીઓના રણકાર સાંજના વાતાવરણને મધુરતાથી ભરી દે છે. આથમણી ક્ષિતિજે રેલાતા સંધ્યાના રંગો અને પંખીઓના કલરવ અનુપમ સૌંદર્ય બક્ષે છે.
સાંજના સમયની સર્વસામાન્ય ખાસિયતો:-
વર્ષાઋતુમાં સંધ્યા સમયે ક્યારેક પૂર્વ દિશામાં સંધ્યાની લાલીમાં વચ્ચે સપ્તરંગી મેઘધનુષ્ય અનેરી આભા રચે છે. પ્રકૃતિની આ રમ્ય લીલા આબાલવૃદ્ધ સૌને હરખઘેલા બનાવી દે છે.
એક સાંજે આકાશ માં ઘનઘોર વાદળો ઘેરાયા. જોતજોતામાં રાતના અંધારા જેવુ અંધારું છવાઈ ગયું. વીજળી ના ચમકાર અને વાદળો ના ગડગડાટ થવા લાગ્યા. એટલા માં જોરદાર પવન ફૂકવા લાગ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ચારેબાજુ દોડધામ મચી ગઈ. વરસાદ ની એવી જોરદાર હેલી વરસી રહી હતી કે એમાં છત્રી અને રેઇનકોટ નું તો શું ગજું ? ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા. રસ્તે ચાલતા વાહનો ખોટકાઈ પડયા. રસ્તે રજડતા ઢોર વરસાદ થી બચવા માટે કોઈક છાપરા ની નીચે આશરો લેવાં લાગ્યા. વીજળી ના ચમકારા અને વાદળાં ની ગર્જનાઓ થી ચારે બાજુ ભય નું વાતાવરણ સર્જાઈ ગયું. અનાધાર વરસાદ નો આ અનુભવ ખરેખર ભયાનક હતો. વર્ષાઋતુ ની આવી તોફાની સાંજ જોયા પછી ક્યારેક વર્ષા વગરની સાંજ પણ રુડીરૂપાળી લાગે છે.
ઉપસંહાર:-
વર્ષાઋતુ સાચેજ સજીવસૃષ્ટિ માત્ર જીવનદાતા સમાન છે. અનાજ , પાણી અને પ્રાકૃતિક સૌદર્ય વર્ષાઋતુને આભારી છે. એટલે જ વર્ષાઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે. અનેક કવિઓએ વર્ષાઋતુ વિશે ખુબ જ સરસ વર્ષાગીતો લખ્યાં છે. કવિ બાલમુકુંદ દવેના સુંદર કાવ્યમાં વર્ષાનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.
"આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી."