મારા જીવનનો યાદગાર દિવસ નિબંધ | કોલેજ પ્રવેશનો એ પ્રથમ દિવસ નિબંધ | mara jivanno yadgar divas nibandh | collage pravesh pratham divas nibandh

mara jivanno yadgar divas nibandh

 

શું તમે ગુજરાતીમાં મારા જીવનનો યાદગાર દિવસ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો કોલેજ પ્રવેશનો એ પ્રથમ દિવસ નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે mara jivanno yadgar divas nibandh | collage pravesh pratham divas nibandh  ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

હા, મારું બારમા ધોરણનું પરિણામ આવી ગયું. મેં એમાં મારા નક્કી કરેલા ધ્યેય પ્રમાણે જ ખૂબ સારું પરિણામ મેળવ્યું હતું. હું આમ તો ભણવામાં ઠીક ઠીક હોશિયાર. પણ મારું ધ્યેય ફકત પુસ્તકિયું જ્ઞાન પ્રાપ્ત કરવાનું નહીં. એટલે ક્રિકેટ જે મારી પ્રિય રમત હતી એમાં પણ મેં મનગમતી સિદ્ધિ હાંસલ કરી હતી. મને વાંચવાનું ખૂબ જ ગમે. મારા ભણવાની સાથે સાથે મેં મારી શાળાની લાઈબ્રેરી સિવાય પણ સારું એવું વાંચ્યું હતું. મારું લક્ષ્ય હતું એક સારા અધ્યાપક બનવાનું. એટલે એ ધ્યેયને ધ્યાનમાં રાખીને જ મેં મારા શહેરની એક ગુણવત્તાએ ઉત્તમ એવી કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

કોલેજનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક:-

એ હતો મારો કોલેજનો પ્રથમ દિવસ, એક જુદા જ વાતાવરણમાં હું પ્રવેશી રહ્યો હતો. શાળાના ભણતરથી એક નવતર વિદ્યાજગતમાં મારો પ્રવેશ થઈ રહ્યો હતો. શાળાકીય શિસ્તથી જુદા જ પ્રકારની સ્વતંત્રતાવાળી શિસ્ત જયાં જોવા મળી એવી કોલેજપ્રવેશની મારી એ યાદગાર ક્ષણ એટલે અમારા આચાર્યશ્રીનું ઉદ્દબોધન.

જૂદું જ વાતાવરણ:-

કોલેજના પ્રથમ દિવસે અમને નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને એક હોલમાં ભેગા કરાયા અને અમારે કયા વિષયોમાં શું શું ભણવાનું એ વિશે પરિચયાત્મક વાતો થઈ. પણ મને સ્પર્શી ગયું મારા આચાર્યશ્રીનું વક્તવ્ય. એમણે કહેલી કેટલીક વાતો જે મારા મન ઉપર સુવર્ણાક્ષરની જૅમ જડાઈ ગઈ છે અને હું અત્યારે મનોમન વાગોળી રહ્યો છું. એમની વાત હું એમના જ શબ્દોમાં મુકીશ.

આચાર્યનું વક્તવ્ય એમાંની શીખ:-

‘મિત્રો, મારા વકતવ્યની શરૂઆત હું એક કવિની કાવ્યપંક્તિથી કરીશ, કવિ છે કિશન સોસા…

"વા વળાંક પર હવે ઊભો છે કાફલો,
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ,
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ."

વિદ્યાર્થી મિત્રો, કોલેજના પ્રથમ દિવસે જ તમારી સામે એક માઈલ સ્ટોન આવી ગયો છે. એક વળાંક ઉપર આવીને ઊભા છો તમે. નક્કી તમારે કરવાનું છે કે તમે ક્યા રસ્તા ઉપર જવા માગો છો. આ એક રસ્તો તમને રણ તરફ લઈ જશે અને આ બીજો રસ્તો નદી તરફ. રણ તરફના રસ્તે જશો તો રણમાં જ પહોંચાશે. વળી આ રસ્તો એક માર્ગી છે. એમાં આગળ જ જવાય... પાછા વળવામાં ઘણું મોડું થઈ જાય એવું છે માટે તમારે જ નક્કી કરવાનું છે કે તમારા ભવિષ્યની કારર્કિદીને તમારે કયા રસ્તે વાળવી છે ?

સ્વર્ગનો રસ્તો જેટલો કઠિન છે એટલું જ કઠિન છે આજે સારા વિદ્યાર્થી બનવાનું, સ્વર્ગના રસ્તે આળસુ કે ભોગી માણસ ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. સફળતા એને જ મળે છે જેનામાં સાહસ, ધૈર્ય અને ધગશ છે. કોલેજકાળનો સમય આમ તો સુવર્ણકાળ કહેવાય છે પણ વિદ્યાર્થીએ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ રસ્તો લપસણો છે, થોડી પણ બેકાળજી અહીં સફળતાને બદલે નિષ્ફળતાના તળિયે પહોંચાડી શકે.

વિદ્યાનો ઉચિત ઉપયોગ કરવાનો નિર્ણય:-

મિત્રો, અહીં આવીને તમારે માત્ર અને ફકત પુસ્તકિયું જ્ઞાન જ નથી પ્રાપ્ત કરવાનું, અહીં આવીને તો તમારે તમારા મનની મક્કમતાને કેળવવાની છે. તમારી નિર્ણયશક્તિને દઢ બનાવવાની છે. તમે અહીં ભણવા માટે જ આવો છો પણ તમારી આજુબાજુનું વાતાવરણ તમને મોજશોખમાં ખૂંપી જવા પ્રેરે એવું હશે. અહીં તમને લલચાવનારા ત્રણ મોટા રેડ સિગ્નલથી તમારે બચવાનું છે. 1. જુગાર, 2. વ્યસન, 3. સેક્સ. આ ત્રણે તમને ખૂબ લલચાવશે. પણ તમારે તમારી વિવેકશક્તિને જાગૃત રાખીને આ લોભામણાં, લલચામણાં, લપસણાં પ્રલોભનોથી પ્રયત્નપૂર્વક બચવાનું છે.

કોલેજમાં તમારે મિત્રપસંદગીમાં પણ કાળજી રાખવી પડશે. મિત્ર એવા પસંદ કરો જે બધી રીતે ભલે કઠોર હોય, પણ તમને કડવી પણ સાચી વાત કરીને તમારા હિતેચ્છુ બની રહે એવું મિત્રવર્તુળ પસંદ કરજો. તમારે અહીં વિદ્યા પ્રાપ્ત કરવાની છે. તમારું ભણતર માત્ર તમને આર્થિક રીતે પગભર બનાવે એવું નથી લેવાનું. જે ભણતર તમને દુનિયાના આટાપાટામાં પણ ગણતર બનાવીને પગભર રાખે એવું શિક્ષણ અહીંથી તમે પ્રાપ્ત કરો એવી અમારી ઈચ્છા છે. વિદ્યાને તમારે સાધ્ય બનાવવાની છે, ખાલી સાધન નહીં. અને એ માટે તમારે કરવો પડશે એકલવ્ય જેવો પ્રચંડ પુરુષાર્થ. અને કેળવવું પડશે કર્ણ જેવું મક્કમ મનોબળ.

મિત્રો, ભણતાં ભણતાં તમારું પરીક્ષાલક્ષી પરિણામ કોઈ કારણસર ખરાબ પણ આવે, તો એનાથી તમારે હતાશ કે નિરાશ નથી બનવાનું, પેલો કરોળિયો જેમ ‘ફરિ ફરિ’ ને પોતાના ધ્યેય તરફ લાગેલો રહેતો હતો. એવા તમારે બનવાનું છે.

ઉપસંહાર:-

અમારા આચાર્યશ્રીના આ વક્તવ્યને, એમાંની એમના દ્વારા કહેવાયેલી વાતોને હું મારા જીવનમાં ઉતારીશ અને એમણે આરંભે કહેલી કવિતાની પંક્તિ પ્રમાણે મારા જીવનને મોજશોખની ક્ષણોમાં વેડફવાને બદલે ઉજ્જવળ કારર્કિદીની સદી તરફ જરૂરથી લઈ જઈશ. આ હતો મારો કોલેજ પ્રવેશનો પ્રથમ દિવસ.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement