પરીક્ષા પે ચર્ચા નિબંધ | પરીક્ષા અને આજનો વિધાર્થી નિબંધ | pariksha pe charcha par nibandh | pariksha ane aajno vidhyarthi nibandh

pariksha ane aajno vidhyarthi nibandh

 

શું તમે ગુજરાતીમાં પરીક્ષા પે ચર્ચા નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પરીક્ષા અને આજનો વિધાર્થી નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે pariksha pe charcha par nibandh | pariksha ane aajno vidhyarthi nibandh  ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

આજનો દિવસ મારે માટે ખૂબજ આનંદ અને નિરાંતનો હતો... ગઈ કાલ સુધી મારે માથે જાણે કે પચાસ મણનું પોટલું પડેલું હતું..... એ પોટલું મને દિવસ-રાત સહેજે ચેનથી રહેવા દેતું નહોતું. હું ઊંઘમાં પણ એના ડરથી કાંપી ઊઠતો હતો... મારા જીવનની કોઈ પ્રવૃત્તિ હું હળવા હૈયે કરી શકતો નહોતો !

પરીક્ષાનું પોટલું:-

તમને થશે આવું તે ક્યું પોટલું લઈને આ વિદ્યાર્થી ફરે છે જેણે એના જીવનનું ચેન છીનવી લીધું છે ! હા....! એ પોટલું હતું પરીક્ષાનું ! જ્યાં સુધી મારે માથે હતું ત્યાં સુધી ન તો ચેનથી ખવાતું – પીવાતું હતું.... કે ન તો ચેનથી સૂઈ શકાતું હતું....!

ચિતા કરાવે એવું:-

જયારથી મારી સમજ કેળવાઈ ત્યારથી આ પરીક્ષાના પોટલાનો હાઉ મને સતત પજવતો હતો... એનું કારણ એટલું જ હતું કે આ પરીક્ષાઓમાં પ્રશ્નો અને એના જવાબો યાદ રાખવામાં મને ખૂબ જ તકલીફ પડતી હતી. જયારે હું જે પ્રશ્નનો તૈયાર કરેલો જવાબ મારા મન પાસે માગું ત્યારે એનું મને વિસ્મરણ જ થઈ ગયું હોય | પરીક્ષામાં કયા સવાલ પુછાશે, એના જવાબ મને બરોબર આવડશે કે નહીં... પ્રશ્નોના ઉત્તર લખવામાં ટાઈમ ખૂટશે તો નહીં... ધાર્યું પરિણામ નહીં મળે તો મારું શું થશે ? આવા બધા પ્રશ્નો સતત મને પજવતા રહેતા હતા.

એ પછી મુક્ત થયેલું મન આવા સવાલ જાતને અને જગતને કરે છે:-

આજે હું મારી બોર્ડની પરીક્ષામાંથી મુક્ત થયો. મારું મન પરીક્ષાના ભારણમાંથી મુક્ત થયું છે ત્યારે આટલા વર્ષોના પરીક્ષાના અનુભવે મારા મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે, જો આ પરીક્ષા ન હોય તો ? શું કોઈપણ પ્રકારના અભ્યાસની સાથે પરીક્ક્ષા નું જોડાણ ફરજિયાત હોવું જોઈએ ?

આ પરીક્ષાઓએ તો કંઈ કેટલાય વિદ્યાર્થી રૂપી કુમળા છોડને ચેતનવિહોણા બનાવી દીધા છે ! કેટલાંય કુમળાં ફૂલ ઊઠતાં – બેસતાં, સૂતાં – જાગતાં પરીક્ષાની ચિંતામાં દિવસોના દિવસો સુધી માથું નીચું નાખીને સતત વાંચતાં રહ્યાં હશે ! કેટલાય વિદ્યાર્થીઓની કેટલીય રાત્રિઓ પરીક્ષાદેવીને ચરણે કુરબાન થઈ ગઈ હશે...?

મને ના ગમે આ પરીક્ષાઓ:-

મને એ પણ ખબર છે કે આ પરીક્ષાની મોસમ પૂરી થશે અને પછી જ્યારે પરિણામની મોસમ આવશે ત્યારે છાપાંઓમાં પરીક્ષાઓના પરિણામની સાથે સાથે એવા સમાચાર પણ છપાયેલાં દેખાશે કે 'નાપાસ થવાથી આત્મહત્યા કરી’ ‘ધાર્યું પરિણામ ન આવવાથી ઊંઘની ગોળીઓનો વધુ પડતો ડોઝ લઈ લીધો !' અરે ! કેટલાક તો બિચારાં પરિણામ આવે કે તરત કોઈને ખબર ના પડે એ રીતે ઘરને પંખે લટકીને ફાંસો ખાતા પણ જોવા મળ્યા છે ! આ બધું જોઈને જ તો થાય છે કે “ના જોઈએ આ પરીક્ષાઓ....!' આવી પરીક્ષાઓનો શો અર્થ ?

આવી પરીક્ષા કંઈ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન કરે છે ખરી ? વિદ્યાર્થીઓનાં નૂર ઉલ્લાસ અને હોંશકોશને ઉડાડી મૂકતી, વિદ્યાર્થીને સતત ચકરાવે ચડાવતી આ પરીક્ષાઓનાં આયોજનથી ફાયદો શું ?

આ પરીક્ષા સમજની નથી સ્મરણની:-

આજની આ પરીક્ષાઓ શું વિદ્યાર્થીની સમજશક્તિની પરીક્ષા કરે છે ખરી ? બિલકુલ નહીં. આ પરીક્ષાઓ મોટે ભાગે તો સ્મરણશક્તિની કસોટી કરે છે. વિદ્યાર્થીની ગોખણશક્તિ કેટલી શક્તિવાળી છે એનું મૂલ્યાંકન આ પરીક્ષાઓમાં કરાય છે. મને એક પ્રસંગ યાદ આવે છે. મેં એ પ્રસંગ મારા અભ્યાસ દરમિયાન જ વાંચ્યો હતો.

ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર. એ જન્મે મરાઠી હતા પણ એમનું ગુજરાતી એટલું અદ્ભુત હતું કે એમને ‘સવાઈ ગુજરાતી સાહિત્યકાર' ગણવામાં આવતા હતા. એમણે એમના બચપણના સંસ્મરણોનું પુસ્તક લખ્યું છે. નામ છે એનું 'સ્મરણયાત્રા’. એમાં એમને પરીક્ષાના સંદર્ભમાં મોટાભાઈએ લેસન આપ્યું. અંગ્રેજી શબ્દોનું મરાઠીમાં ભાષાંતર કરવાનું. એક શબ્દ હતો. 'SIT’ એનું મરાઠીમાં થાય ‘બસણૅ ’ એટલે કે 'બેસવું'. બાળ દત્તુએ સ્પેલિંગ અને મરાઠીમાં અર્થ બરોબર ગોખીને તૈયાર કરી નાખ્યો. પણ જયારે મોટાભાઈએ આ જ શબ્દ ઊંધી રીતે પૂછ્યો. કહ્યું કે 'બસણે' નું અંગ્રેજી ? તો ‘SIT' એવું એમને ના આવડ્યું. કારણ શું એમણે એ સ્પેલિંગ ગોખ્યો હતો પણ એને એ સમજયા નહોતા.

વિદ્યાર્થીનો પ્રશ્ન:-

આજની પરીક્ષાઓ આવી સમજ્શક્તિનિ ઓછી અને ગોખણશક્તિની જ કસોટી વધારે કરતી હોય તો એવી પરીક્ષાઓ લેવાય તો પણ શું અને ન આપીએ તો પણ શું ? પરીક્ષામાં ભ્રષ્ટાચાર તો પ્રાચીનકાળથી જોવા મળે છે. એકલવ્યનું ઉદાહરણ નથી જાણતા શું ? એ આદિવાસી હોવાને કારણે વિદ્યામાં ઘણો આગળ હોવા છતાં ગુરુ દ્રોણાચાર્યે એનો અંગૂઠો, જેને આધારે એ બાણ ચલાવતો એ જ ગુરુદક્ષિણામાં માંગી નહોતો લીધો શું ?

ઉપસંહાર:-

મને એટલે જ આ પરીક્ષા નથી ગમતી. પણ શું થાય ? આજના યુગમાં આગળ આવવું હોય તો આ સિસ્ટમને અનુસરવું તો પડે જ ! શું આનો બીજો કોઈ સારો વિકલ્પ ના હોઈ શકે ? જેમાં કસોટી હોય પણ એ સમજની અને આવું ભારણ પણ ના હોય...!!! વિચારજો મિત્રો...! મારી પાસે અત્યારે તો જવાબ નથી !

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement