પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા નિબંધ | પ્રદૂષણ હટાવો પર્યાવરણ બચાવો નિબંધ | પ્રદુષણ નિબંધ | pradushan par nibandh | pradushan vaishvik samsya par nibandh | pradushan hatavo paryavaran bachao nibandh

pradushan vaishvik samsya par nibandh

 

શું તમે ગુજરાતીમાં પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો પ્રદૂષણ હટાવો પર્યાવરણ બચાવો નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Pradushan Par Nibandh ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:- 

આજના માનવીએ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો ફરજિયાતપણે કરવાનો થયો છે. એમાંની કેટલી સમસ્યાઓ કુદરતપ્રેરિત છે. મનુષ્યના હાથમાં એ સમસ્યાઓનો સામનો કરવાનું ઘણી વાર અઘરું બની જાય છે. ધરતીકંપ હોય કે પછી વાવંટોળ સાથેની અતિવર્ષા, વેઠ્યો ના જાય એવો દુષ્કાળ હોય કે પછી હિમ વરસાવતી ઠંડી, કાળઝાળ ગરમી હોય કે પછી અનરાધાર વરસાદ. આ બધી સમસ્યાઓ કુદરતે એની ઉપર થોપી છે જેનો કોઈ ઉપાય એની પાસે નથી. અડગ મનથી એનો સામનો કર્યે જ છૂટકો છે.

માનવીની કેટલીક સમસ્યા કુદરતપ્રેરિત:-

માનવની આવી કુદરતપ્રેરિત સમસ્યાઓ સિવાય કેટલીક સમસ્યાઓ એણે પોતે પેદા કરેલી છે. પોતાની બુદ્ધિનો વિશિષ્ટ ઉપયોગ કરીને એણે જે વૈજ્ઞાનિક શોધો કરી, એણે એકબાજુ એના ભૌતિક સુખસમૃદ્ધિ વધાર્યાં પણ સાથે સાથે વિનાશનાં દ્વાર પણ ખોલ્યો. આવી જ એક આજના વિશ્વની કપરી સમસ્યા છે પ્રદૂષણની.

પ્રદૂષણની સમસ્યા માનવસર્જિત:-

પ્રદૂષણનો પ્રશ્ન એ માનવસર્જિત મહાપ્રશ્ન છે. એ પણ એ એવો શેતાન છે જે ધીમે ધીમે સમગ્ર માનવજાતને ભરખી જશે. શ્રી ગુણવંત શાહ ‘આપણી અંદર રહેલી દુષ્ટતાને આપણી અંદરના પ્રદૂષણ' તરીકે ઓળખાવે છે તો વિજ્ઞાને વિકસાવેલા વિકાસના ફળની આડપેદાશ એ છે બાહ્ય પ્રદૂષણ.

ચાર પ્રકારનાં પ્રદૂષણ:-

પ્રદૂષણ ચાર પ્રકારે ફેલાયું છે, જમીન, હવા, પાણી અને ધ્વનિ. એમાં સૌથી વધુ ખતરનાક પ્રદૂષણ છે હવાનું. હવાના પ્રદૂષણથી માનવજિંદગી જોખમમાં મુકાઈ જાય છે. શુદ્ધ હવા એ કુદરતે માનવને આપેલી એક અમૂલ્ય ભેટ છે. માનવી ખોરાક વગર કેટલાક દિવસ જીવી શકે, પાણી વગર પણ થોડો સમય જીવી જવાય. પણ શુદ્ધ હવા વિના તો એક ક્ષણ પણ જીવવું અશક્ય છે. એ શુદ્ધ હવા આજના પ્રદૂષિત વાતાવરણને કારણે ઝેરી બનતી જાય છે. ઉઘોગીકરણ, માનવવસ્તીથી ગીચ નગરો અને કારખાનાઓમાંથી વહેતા ઝેરી ધુમાડાએ આજે શુદ્ધ હવાની સમસ્યા પેદા કરી છે. લોહીનું ઊંચુ દબાણ, શ્વાસોચ્છવાસની તકલીફ, હૃદયરોગ, ક્ષય તથા ઝેરી તાવ જેવા જીવલેણ રોગો હવે માનવીમાં વધવા માંડ્યા છે એ આ પ્રદૂષણની જ આડ પેદાશ છે.

માનવ અસ્તિત્વ સામે ખતરો:-

હવાની જેમ પાણી પણ આ પ્રદૂષણનો ભોગ બનવા માંડ્યું છે. ઔદ્યોગિક વિકાસે સર્જાવેલાં કારખાનાંઓમાંથી વહેતો ઝેરી રાસાયણિક જલપ્રવાહ નદીઓમાં ઠલવાય છે જે એને પ્રદૂષિત બનાવે છે. આ પ્રદૂષિત પ્રવાહ નદી સરોવર કે સમુદ્રમાં રહેલી જીવસૃષ્ટિના જીવનને પણ જોખમમાં મૂકે છે. ખસ, વાળો, ટાઈફોઈડ, કોલેરા કે કેન્સર જેવા જીવલેણ દર્દીની આ સૃષ્ટિને પ્રાપ્ત થયેલી ભેટ એ આવા પ્રદૂષિત પાણીનું જ પરિણામ છે.

હવા અને પાણીની જેમ ધ્વનિનું પ્રદૂષણ પણ જીવસૃષ્ટિને મૃત્યુમુખમાં ધકેલે છે. કાન ફાડી નાખતા કર્કશ અવાજોથી આ ધ્વનિપ્રદૂષણ ફેલાય છે. વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે, એના અવાજમાંથી ધ્વનિ પ્રદૂષણ ફૈલાય છે. જયારે ભૂમિ પ્રદૂષણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને લીધે થાય છે. આવા પ્રદૂષણને પરિણામે જમીનની ફળદ્રુપતા ઉપર વિપરીત અસર થતી જોવા મળે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ દૂષિત બને છે.

પ્રદૂષણ દૂર કરવાના ઉપાયો:-

આમ હવા, પાણી, અવાજ અને ઝેરી વાયુના પ્રદૂષણને લીધે આજના માનવીનું જ નહીં, પૃથ્વીની સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે એવું સમજી ચૂકેલા વિશ્વના શાણા લોકોએ પ્રદૂષણના આ દૂષણને ટાળવા માટેની કટિબદ્ધતા પણ દેખાડવા માંડી છે પ્રદૂષણ હટાવો, 'પર્યાવરણ બચાવો'ની જેહાદ જગાવવા માંડી છે. વૃક્ષારોપણનું કામ વધારવા માંડ્યું છે. હવા, પાણી અવાજ અને વાયુનું પ્રદૂષણ ઘટે એવા ઉપાયો પણ ખોજવા માંડ્યા છે. ઠેરઠેર નવા વૃક્ષો રોપાય, તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહીં એની તકેદારી રાખવામાં આવી રહી છે, વળી જંગલો વધારવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ધટાડવા માટે વાહનોના એન્જિનનું ચેકિંગ કરાવી, વાહનો માટે પી.યુ.સી. સર્ટિફિકેટ મેળવવાનું ફરજિયાત બનાવાયું છે. વિદ્યાર્થીઓને પણ એના વિદ્યાર્થીકાળથી જ પ્રદૂષણની સામે તકેદારી રાખવાનું શિખવાઈ રહ્યું છે.

ઉપસંહાર:-

ટૂંકમાં, આ વૈશ્વિક પ્રશ્નનું હલ પણ કોઈ એકલ હાથથી નહીં, પ્રત્યેકની આ સંદર્ભે જાગૃતિથી જ આવી શકે એટલે દરેક વ્યક્તિ નક્કી કરે 'પ્રદૂષણ હટાવો, પર્યાવરણ બચાવો'.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement