પ્રસ્તાવના:-
આપણે જે પૃથ્વી ઉપર વસીએ છીએ એની પ્રકૃતિ અકળરૂપા છે. પ્રકૃતિને 'કુદરત' પણ કહી શકાય. એનું રૂપ એકધારું કે એક્સરખું ક્યારેય રહેતું નથી. એમાં સતત બદલાવ આવ્યા કરે છે.
પ્રકૃતિ અકળરૂપા:-
કુદરત બહુરૂપ ધરનારી છે. એ પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિને ક્યારેક પોતાના સૌમ્ય, સુંદર અને રળિયામણા રૂપનો પરિચય કરાવે છે તો એનાથી વિપરીત ક્યારેક એના બિહામન્ના, સંહારક રૂપનો પરચો પણ બતાવતી હોય છે.
સૌમ્ય રૂપા પ્રકૃતિ:-
કુદરતને કોઈ પહોંચી શકતું નથી. એ રીઝે તો માલામાલ કરી દે અને ખીજે તો ભલભલાનું ધનોતપનોત પણ કાઢી નાંખે. કુદરત સર્જનનું કામ પણ કરે છે અને વિસર્જન પણ એના હાથમાં છે. એનું નમણું રૂપ જેટલું રમણીય, આનંદદાયી અને જીવનદાયક છે એટલું જ એનું રૌદ્ર રૂપ ભીષણ અને ભયાનક છે.
વિવિધ ઋતુઓનું સૌંદર્ય:-
રમ્યરૂપા સૃષ્ટિ પોતાનાં જાતજાતનાં ઋતુંસૌંદર્યને કારણે મનમોહક લાગે છે. શરદ, હેમંત, શિશિર, ગ્રીષ્મ, વસંત અને વર્ષા એના આગવા સૌંદર્યથી શોભે છે. કોઈને બધી ઋતુઓમાં વસંતનું મનભર સૌંદર્ય માણવું ગમે છે તો કોઈને વર્ષાના માદક સૌંદર્યમાં ભીંજાવાનું પસંદ પડે છે.
જીવસૃષ્ટિનું સંવર્ધન અને પોષણ:-
નદી, સમુદ્ર, પર્વત, સૂર્ય-ચંદ્ર તારા, વહેતો પવન - આ બધાં તત્ત્વો પણ કુદરતના સૌંદર્યને વધારે છે. જીવનની રોજિંદી જંજાળથી હારેલો – થાકેલો માનવી પ્રકૃતિના આવા કોઈ તત્ત્વ પાસે પહોંચીને નવજીવન મેળવતો હોય છે. કોઈકે આ જ કારણે પ્રકૃતિને માનવજીવનની નોળવેલ કહી છે.
પ્રકૃતિનાં આ બધા તત્ત્વો પૃથ્વીની જીવસૃષ્ટિને પોષે છે. કંઈક ને કંઈક આપ્યા કરે છે. અને એય પાછું કોઈપણ જાતની અપેક્ષા વગર ! જીવસૃષ્ટિનાં જીવનાધાર સમાન હવા, પાણી, ધાન્ય કુદરત આપણને સૌને ખોબલે ખોબલે આપે છે અને જીવસૃષ્ટિનું પોષણ-સંવર્ધન કરે છે.
રૌદ્ર રૂપો:-
કુદરતનાં રમ્ય રૂપો જેમ જીવસૃષ્ટિને આનંદનો અનુભવ કરાવે છે એમ એના રૌદ્ર રૂપો અને તહસનહસ પણ કરી નાંખે છે ત્યારે એની આગળ કોઈનું કંઈ જ ચાલતું નથી.
પ્રકૃતિનું આ રૌદ્ર રૂપ ક્યારેક દુષ્કાળ રૂપે અનુભવવા મળે છે તો ક્યારેક અતિ વર્ષ રૂપે ! પ્રકૃતિ ક્યારેક વાવંટોળની ચક્રવાતી ભયાનકતાથી જીવસૃષ્ટિને ફફડાવે છે તો ક્યારેક ધરતીકંપ કે સુનામીનું રૂપ લઈને પ્રકૃતિ જીવસૃષ્ટિ તરફનો પોતાનો અણગમો વ્યક્ત કરે છે.
પ્રકૃતિ ક્યારે રૌદ્ર રૂપ ધરે ?
પ્રકૃતિનો માનવી તરફનો આક્રોશ ક્યા કારણે ? કાળા માથાનો માનવી પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ જ્યારે ભૌતિક સુખોની અતિશયતા પ્રાપ્ત કરવા પ્રકૃતિ પ્રત્યે અત્યાચાર કરે છે ત્યારે કુદરત ક્યારેક વિફરીને પોતાનો આવો પ્રતિભાવ આપતી હોય છે.
આપણે જાણીએ છીએ કે વરસાદના આગમનમાં ભૌગોલિક પરિસ્થિતિનો મોટો ફાળો હોય છે, જે પ્રદેશમાં ગીચ જંગલો હોય છે ત્યાં પવનોનું રોકાણ થાય અને વરસાદને વરસવામાં મદદ મળે છે. આજે માનવીએ પોતાની ભૌતિક સુખ-સુવિધાઓ વધારવા માટે આવા ગીચ જંગલોની સફાયો કરવા માંડ્યો છે એટલે ઘણીવાર વરસાદ પડતો નથી. અને ત્યારે જે તે પ્રદેશમાં દુષ્કાળ પડે છે. આપણા જ દેશની વાત કરીએ તો ખેતીપ્રધાન એવો આપણો દેશ કુદરત ઉપર જ વધારે આધારિત છે. એટલે ઓછો વરસાદ ધાન્ય ને પકાવવામાં બાધા ઊભી કરે છે. એને કારણે દુષ્કાળ પડે છે. પશુઓ માટે ઘાસચારો થતો નથી કે જોઈએ એટલું અનાજ પાકતું નથી. પાણી પણ મળતું નથી. એ જ રીતે જયારે કુદરત જરૂર કરતાં વધારે તૂટે અને મબલખ પાણી વરસાવે ત્યારે તૈયાર પાકનો સર્વનાશ થાય છે જેમ અલ્પવૃષ્ટિ તેમ અતિસૃષ્ટિ એ પણ કુદરતનું એક રૌદ્ર રૂપ જ છે.
અતિવૃષ્ટિમાં તળાવો, સરોવરો, નદીઓ અને ઘણીવાર તો સમુદ્ર પણ માઝા મૂકે છે. પાણી રહેણાંકના સ્થળોમાં ઘૂસીને માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. પાણી જયારે પોતાનું પાણી બતાવે ત્યારે ભલભલા નરબંકાના હાંજા ગગડી જાય છે. જ્યારે વાવંટોળ સાથે વર્ષા આવે છે ત્યારે વાયુ પણ સમરાંગણે ચડે છે. એ સમયે ઘણીવાર સમુદ્રમાં તોફાન ઊઠે છે. સમુદ્રના મોજાં મર્યાદા છોડીને એવા પ્રસરે છે કે એવા વરસાદને 'ચક્રવાત' તરીકે ઓળખવામાં આવે છે.
ઉપસંહાર:-
કુદરતનું એવું જ બીજું એક રૌદ્ર રૂપ એ ધરતીકંપનું છે. આંખના પલકારામાં જ કોઈએ વિચાર્યું ના હોય એવો વિનાશ ધરતીકંપ કરે છે. મોટી ઈમારતો ધરાશાયી થાય છે. માણસો દટાઈ જાય છે, પુલો તૂટી પડે છે, એ જ રીતે જવાળામુખી ફાટે ત્યારે એમાંથી નીકળતો જીવસૃષ્ટિને ભસ્મીભૂત કરી દે છે. ખરેખર પ્રકૃતિ વવિધરૂપા છે.