વસંત ઋતુ નો નિબંધ | વસંત નો વૈભવ નિબંધ | વસંત ઋતુઓનો રાજા નિબંધ | mari priy rutu vasant nibandh | vasant rutu essay in gujarati | vasant no vaibhav essay in gujarati

vasant no vaibhav essay in gujarati
 

શું તમે ગુજરાતીમાં વસંત ઋતુ નો નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!   આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શિસ્ત વિધાર્થીનું ઘરેણું નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Vasant no vaibhav essay in gujarati ની PDF પણ Download કરી શકશો. 

પ્રસ્તાવના:-

હિંદુ પંચાંગ ઋતુઓને છ ભાગમાં વહેંચે છે. શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ અને વર્ષા, વસંતની પહેલાં શિશિર આવે છે જેમાં વૃક્ષો પર્ણત્યાગ કરે છે. શિશિરને પાનખર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ જટાળો જોગી વસ્ત્રત્યાગ કરે એમ શિશિરમાં વૃક્ષો પોતાનાં વસ્ત્રો - પાંદડાંનો ત્યાગ કરે છે.

વસંત ઋતુ નો આરંભ:-

વસંતમાં આ જ વૃક્ષો નવાં પર્ણ ધારણ કરે છે. ઉજજડ વૃક્ષો ઉપર જે નવી કૂંપળો ફૂટે છે એ વૃક્ષને વધારે સુશોભિત બનાવે છે. આંબા ઉપર મંજરી એટલે કે મ્હોર ફૂટે છે, છોડ ઉપર રંગબેરંગી પુષ્પોની બિછાત પથરાઈ જાય છે. પેલો કદરૂપો દેખાતો ખાખરો - ખાખરાના વૃક્ષને કેસૂડાની કલી બેસે છે. સર્વત્ર ફેલાયેલી લીલોતરી વસંતના પ્રભાવને જીવંત બનાવી દે છે.

વસંતના આગમનનો સૃષ્ટિ ઉપર પ્રભાવ:-

વસંત ઋતુ એટલે પ્રકૃતિના યૌવનનો આરંભ. વસંતનું આગમન સૌને માટે સુખકર હોવાને કારણે જ અને ‘ઋતુઓનો રાજા’ કહેવામાં આવે છે. વસંતમાં વાતાવરણ અત્યંત ખુશનુમા હોય છે. એ સમયે વધારે ઠંડી પણ હોતી નથી કે જીવ ગભરાવે એવી ગરમી પણ પડતી નથી. અને વરસાદ તો હજુ ખાસ્સો એવો દૂર હોય છે. અને એટલે જ આ ઋતુની સમધારણ વાસંતી લહેરો અને સૂર્યના નાજૂક કિરણોનો સ્પર્શ નવી ચેતનાનો સૌમાં સંચાર કરે છે.

પશુ પક્ષી અને માનવોનો આનંદ:-

વસંતના આગમનને આંબાડાળે બેઠેલી કોયલ ટહૂકાથી વધાવે છે. એનો ‘કૂહુ કૂહુ' નો મીઠો નાદ સાંભળીને લાગે છે કે એ વસંતના આગમનને આવકારે છે. જેમ કોઈ રાજા-મહારાજાની સવારી દરબારમાં આવી રહી હોય ત્યારે આગળ રહેલો છડીદાર રાજાના આગમનને ‘ઘણીખમ્મા’ કહીને વધાવતો હોય એવું આ કોયલનું ટહૂકવું વસંતના આગમનને વધાવે છે. એટલે જ તો કોયલને 'વસંતની છડીદાર' પણ કહેવાઈ છે ને ?

વસંતનાં વધામણાં આમ્રમંજરીની સુગંધ દેતી હોય છે. લાલઘુમ કેસૂડો જાણે કુમકુમ થી વસંતનો સત્કાર કરે છે. જુઈ, મધુમાલતી અને મોગરો જેવાં વિવિધ પુષ્પોથી વાતાવરણ પ્રફુલ્લિત બને છે. આ ફૂલોની સુગંધ લઈને વહેતો વાયુ પણ સુગંધનો દરિયો બનીને સૌને મત્ત બનાવે છે આમ સકળ સૃષ્ટિ વસંતના પ્રભાવે માદક અને મોહક બની જાય છે.

વસંતનો સૌથી વધુ પ્રભાવ યુવાન હૈયાઓ ઉપર જોવા મળે છે. પ્રેમીઓની તો વસંત પ્રિય ઋતુ છે જ છે. કોઈ પ્રેમિકા પોતાના પ્રેમી પાસે વસંત ઋતુમાં આવી માંગણી પણ કરે છે.

હો મને ફાગણનું એક ફૂલ આપો કે રાજ મોરા,
કેસૂડો કામણગારો રે લોલ !

કવિઓની પ્રિય ઋતુ :-

વસંત તો કવિઓની પણ પ્રિય ઋતુ. આ ઋતુમાં આનંદિત અને રોમાંચિત બનેલું કવિહૃદય કવિતા ન કરે તો જ નવાઈ કહેવાય. વિશ્વભરનાં કવિઓ દ્વારા આ ઋતુને અને એના આનંદ ઉછાળને વિષય બનાવીને કવિતાઓ રચાઈ છે. સઘળી ઋતુઓમાં વસંતનો દબદબો જ કંઈક જૂદો છે. આપણા કવિ દલપતરામે પણ વસંતનો સત્કાર કરતાં કવિતા રચી છે.

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ એણે વનમાં જમાવ્યો,
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શરપાવ દીધો.

કેવી સરસ કલ્પના ! વસંત ઋતુમાં વૃક્ષોએ જે શણગાર કર્યો એ જાણે કે વસંતની એમને ભેટ – શરપાવ ના મળ્યો હોય !

હોળી:-

વસંતનો મનહર અને મનભર તહેવાર તો છે હોળી - ધુળેટી. આ તહેવાર રંગોનો તહેવાર છે. આબાલ વૃદ્ધ સૌ એને મન ભરીને માણે છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાંઓને તો ગાંડાધેલા બનાવી દે છે. અબીલ ગુલાલના છાંટણા થાય છે. હોળીનો તહેવાર તો અનિષ્ટના અંતનો તહેવાર પણ છે અને એટલે જ હોલિકાનું એમાં દહન થાય છે.

મનભર ઉત્સવ:-

વસંતનું સૌંદર્ય માણવું હોય તો આપણી પાસે એને જોવાની, અનુભવવાની આંખ હોવી જોઈએ. ઘરની ચાર દીવાલોમાં રહીને વસંતના આનંદને જાણી શકાતો માણી શકાતો નથી. વસંતનો આદર સત્કાર આપણે પણ કોયલના ટહુકામાં સાથ પુરાવીને કરીશું ને ?

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement