વિદ્યાર્થી અને શિસ્ત પાલન નિબંધ | શિસ્ત વિધાર્થીનું ઘરેણું નિબંધ | vidhyarthi ane shist palan nibandh | vidhyarthi ane shist nibandh | shist vidyarthi nu gharenu nibandh

shist vidyarthi nu gharenu nibandh

 

શું તમે ગુજરાતીમાં વિદ્યાર્થી અને શિસ્ત પાલન નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો શિસ્ત વિધાર્થીનું ઘરેણું નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Shist Vidyarthi Nu Gharenu Nibandh ની PDF પણ Download કરી શકશો. 

પ્રસ્તાવના:-

શિસ્ત એટલે સ્વ-શાસન. ‘સ્વશાસન’ નો અર્થ થાય છે પોતાની જાત ઉપર કાબૂ અથવા નિયંત્રણ. વ્યક્તિ જયારે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને પોતાના જીવનની પ્રત્યેક બાબતને પોતાની રીતે સમજી વિચારીને નિયંત્રિત કરે ત્યારે એ શિસ્ત બને છે. અન્ય વ્યક્તિના આદેશ, માર્ગદર્શન પ્રમાણે જીવનને ઘડવું એ બાહ્ય શિસ્ત છે પણ આંતરિક રીતે પોતાની સમજથી પોતાનું નિયંત્રણ કરવું એ સ્વયમ્ શિસ્ત છે.

જીવનમાં શિસ્તનું મહત્ત્વ:-

આમ તો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં શિસ્તનું મહત્ત્વ ઘણું બધું છે. શિસ્તને અપનાવવાથી જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદો થાય છે. પણ વિધાર્થીજીવનથી શિસ્તનું શિક્ષણ કેળવવાથી વિદ્યાર્થીનો વિકાસ સર્વાંગી બને છે. શિસ્ત વિનાનું જીવન એટલે બ્રેક વિનાનું વાહન. જેમ વાહનને બ્રેક ના હોય તો એ વાહન ગમે ત્યાં જઈને પોતાનું અને અન્યનું અનિષ્ટ કરી શકે એવું જ અશિસ્તને કારણે વિદ્યાર્થી જીવનનું બની શકે છે.

શિસ્તના બે પ્રકાર:-

શિસ્ત આંતરિક અને બાહ્ય બે પ્રકારની હોય છે. માનસિક વલણો, વૃત્તિનો, ઈચ્છાઓ – આ બધી માનસિક પ્રક્રિયાઓને જે વિવેકબુદ્ધિ નિયમનમાં રાખે તે આંતરિક શિસ્ત છે જ્યારે આચાર, વાણી, વ્યવહાર વગેરે જેનાથી નિયંત્રણ પામે એ બાહ્ય શિસ્ત છે. શિસ્તમાં સ્વ ઉપરનો વિજય છે. જે પોતાની જાતને જીતે છે એને દુનિયામાં કોઈ પરાજિત કરી શકવા સમર્થ નથી બનતું.

વિદ્યાર્થીમાં શિસ્ત ઘડાય એવી પ્રવૃત્તિઓ:-

વિદ્યાર્થી અવસ્થામાં જ સારી ટેવોનું ઘડતર થવું જોઈએ.શિસ્તના સૌ પ્રથમ પાઠ તો બાળકને એના કુટુંબમાંથી જ મળે છે. મોટાઓ પ્રત્યે આદર, વાણીમાં વિવેક, વહેલા સૂઈને વહેલા ઊઠવાની ટેવ, ખાવા-પીવાની પદ્ધતિમાં અનુશાસન આ બધુ કુટુંબમાં વિદ્યાર્થીને શીખવા મળતું હોય છે. શાળામાં જતા વિદ્યાર્થીમાં ચાલુ વર્ગે કામ વગર વાતચીત ન કરાય, સ્વચ્છ ગણવેશ પહેરીને શાળામાં નિયમિત હાજરી, અભ્યાસમાં એકાગ્રતા, શાળાના મકાનની સ્વચ્છતા જાળવવામાં પોતાના દ્વારા સક્રિય ફાળો, લોબીમાં તોફાન કે ઘોંઘાટ ન કરવો, પાનમસાલા ન ખાવા, સિગારેટ ન પીવો, મિત્રો સાથે શાંતિથી વાત કરવી, ગુરુજનો પ્રત્યે આદર રાખવો, ઈતરવાચનની સુટેવ કેળવવી, સહુ પ્રત્યે સલુકાઈથી વ્યવહાર કરવો, પોતાની વાણીવ્યવહારમાં નમ્રતા - સભ્યતાના ગુણો કેળવવા આ બધું વિદ્યાર્થીએ છેક શાળા-કોલેજકાળથી શીખવાનું છે, અપનાવવાનું છે.

વિદ્યાર્થીને કુટુંબમાં, શાળા કોલેજોમાં આ બધું કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી જે તે સમયે કુટુંબ-શાળા કે કોલેજના વડેરાઓની છે. આ બધું એની ઉપર થોપવામાં ન આવે, એને પોતાને સ્વયંમ શિસ્તમાં રહેવાનું મન થાય એ માટે વાતાવરણ તૈયાર કરવું પડે. વિદ્યાર્થીના પ્રશ્નોને સમજવામાં આવે, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે, એની ઉપર શિસ્તના નામે ખોટા પ્રકારનો કડક ચોકી પહેરો રાખવામાં ન આવે, બળજબરી તો સહેજે ય ના જ કરાય, વિદ્યાર્થીને પોતાને જ શિસ્તમાં રહેલું ગમે એવું વાતાવરણ તૈયાર કરવું જરૂરી છે.

શિસ્ત ઘડતરની જવાબદારી:-

ઘણીવાર શાળા-કોલેજોમાં શિક્ષકો – આચાર્યો વચ્ચે જ સુમેળનો અભાવ હોય છે એથી વિદ્યાર્થીઓની પ્રગતિ માટે યોગ્ય આયોજન થઈ શકતુ નથી, પરિણામે વિદ્યાર્થીમાં ગેરશિસ્ત અને અસંતોષ વધે છે. તો ઘણીવાર રાજકારણી પક્ષો પણ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને, એમને હાથા બનાવીને ગેરશિસ્તનું વાતાવરણ ઊભું કરે છે.

વિદ્યાર્થીઓમાં શિસ્ત કેળવાય એ માટે કુટુંબમાં, શાળાઓમાં કે કોલેજોમાં વડીલોનો વ્યવહાર વિદ્યાર્થીઓ સાથે સ્નેહભર્યાં અને મૈત્રીયુક્ત હોવી જોઈએ. વિદ્યાર્થીઓમાં પડેલી શક્તિઓને ઓળખીને એનો વિકાસ થાય એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. શાળા કોલેજોમાં સામાજિક - રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, વખતોવખત વિદ્યાર્થીની શક્તિ બહાર આવે એવી નિબંધસ્પર્ધા, વક્તૃત્વર્ધા, લેખન- રંગોળી હરીફાઈ જેવી હરીફાઈઓ યોજીને, – એમાં ખોટું સ્પર્ધાનું કે વિદ્યાર્થીની શક્તિ કુંઠિત થાય એવું અનિચ્છનીય તત્વ પ્રવેશે નહીં એનું ધ્યાન રાખીને - વિદ્યાર્થીમાં પડેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવી જોઈએ અને એ શક્તિઓ વિકસે એવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ. વડીલોએ અને શાળા - કોલેજના શિક્ષકો-અધ્યાપકોએ પણ પોતાના વિવેકપૂર્ણ વર્તનથી વિદ્યાર્થીઓમાં એવું વર્તન કેળવાય એનો પ્રત્યય દાખલો બેસાડવો જોઈએ.

ઉપસંહાર:-

ટૂંકમાં, વિદ્યાર્થીઓમાં શિસ્તભર્યું વાતાવરણ કેળવાય એ જવાબદારી સમાજની છે, વડેરાઓની છે. જેમ નદીના પૂરનું પાણી છે અને નહેરના માર્ગે યોગ્ય રીતે વાળવામાં આવે તો અનેક પ્રકારના સર્જનાત્મક ઉપયોગોનું નિમિત્ત બને છે એવું જ કંઈક આ વિદ્યાર્થીઓનું પણ છે. જે સમાજ પોતે ઉદાહરણરૂપ વર્તન વ્યવહાર કરશે તો વિદ્યાર્થીમાં શિસ્ત-સમજ આપોઆપ કેળવાવાની જ છે. આપણે વડીલો આ બાબતમાં સજાગ રહીશું ને ?

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement