વૃક્ષમહિમા નિબંધ | વૃક્ષ વાવો જીવન બચાવો નિબંધ | વૃક્ષો આપણાં સાચા મિત્ર નિબંધ | vruksh apna mitra essay in gujarati | vruksh nibandh gujarati | vruksh vavo paryavaran bachao nibandh in gujarati

 
vruksh apna mitra essay in gujarati

શું તમે ગુજરાતીમાં વૃક્ષમહિમા નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો વૃક્ષ વાવો જીવન બચાવો નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Essay On Vruksh Vavo Paryavaran Bachao In Gujarati ની PDF પણ Download કરી શકશો. 

પ્રસ્તાવના :-

કુદરતે નિર્મલી આ વિશાળ સૃષ્ટિનું એક મહત્ત્વનું અંગ છે વૃક્ષ. વૃક્ષનું માનવજીવનમાં અનિવાર્ય મહત્ત્વ છે. અને એટલે જ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ જેમ દેવતાઓને પૂજતી હતી એમ જ વૃક્ષની પણ પૂજક હતી. હજી આજે પણ આપણી બહેનો સવારના સ્નાન પછી સૂર્યનમસ્કાર કરીને સૌ પ્રથમ તુલસીમાં પાણી રેડે છે. કેવડાત્રીજની પૂજા હોય કે પછી વટસાવિત્રીનું વ્રત હોય, વૃક્ષપૂજા દ્વારા આપણે વૃક્ષો તરફનો આપણો આદર દર્શાવીએ છીએ.

માનવજીવનનું મહત્ત્વનું ઘટક:-

પુરાતનકાળમાં ભારત દેશની ભૂમિ ચારે કોર જંગલોથી આચ્છાદિત હતી. ઉત્તરમાં હિમાલયના પ્રદેશમાં એ સમયે નૈમિષારણ્ય આવેલું હતું, તો દક્ષિણમાં મહારાષ્ટ્રથી કેરાલા સુધીમાં દંડકારણ્ય આવેલું હતું. પૂર્વ દિશામાં છેક મધ્યપ્રદેશથી બંગાળ સુધી ચંપારણ્ય પથરાયેલું હતું અને પશ્ચિમમાં એટલે કે સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશ સુધી દારૂકાવન હતું. પણ આજે આ બધા જંગલના નામ જાણે કે એક દંતકથા જેવા બની ગયા છે એનું કારણ શું?

ભારતીય સંસ્કૃતિમાં એનો મહિમા:-

પહેલાંના સમયમાં વૃક્ષો તરફ જે આદર હતો, એના તરફ જે સમ્માનની ભાવના હતી એ છેલ્લા પચાસેક વર્ષથી હવે ધીમે ધીમે નાશ પામવા માંડી છે. આજના માનવીની દોડ ભૌતિક સુખસુવિધાઓ તરફ ખૂબ જ વધી છે એને કારણે જંગલો કપાવા માંડ્યા છે. મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જંગલના વૃક્ષોનો નાશ કરાવા માંડ્યો છે. આજે તો જંગલોનો ઝડપથી નાશ થઈ રહ્યો છે.

ઋતુચક્ર ઉપર વિપરીત અસર:-

આપણે જાણીએ છીએ કે વૃક્ષો વરસાદને આમંત્રણ આપનારાં છે. વૃક્ષો કપાવાની સૌથી વિપરીત અને ખરાબ અસર આપણા ઋતુચક્ર ઉપર થઈ છે. પહેલાં આપણે ત્યાં મુખ્યત્વે ચાર-ચાર માસની એક એવી કુલ ત્રણ ઋતુ હતી. કારતક, માગસર, પોષ અને મહા મહિના ઠંડીના હતા. એટલે કે શિયાળો હતો. મહા મહિનાની સમાપ્તિ સાથે ઠંડી ઘટે અને ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠમાં ઉનાળો ધોમ ધખે. આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એટલે વર્ષાની મોસમ. પણ જંગલો કપાતાં, વૃક્ષો જે વરસાદને બોલાવનારાં હતાં વૃક્ષો જે વરસાદના આહ્ વાહકો હતાં એ ઓછા થવાને કારણે ઋતુચક્રમાં પણ જાણે બદલાવ આવી ગયો છે. શિયાળો ઓક્ટોબરને બદલે ડિસેમ્બરમાં શરૂ થાય છે અને ફેબ્રુઆરીમાં પૂરો થઈ જાય છે. ઉનાળો છેક જુલાઈ સુધી લંબાય છે અને ચોમાસું તો ઘણીવાર ચાર માસને બદલે બે કે એક માસનું થઈ જાય છે.

આર્થિક વિકાસની દોડમાં વૃક્ષોનો નાશ:-

પર્યાવરણને બચાવવામાં વૃક્ષોનો બહુ મોટો ફાળો છે એ વાતની આપણા પૂર્વજોને ખબર હતી. પણ ભૌતિક વિકાસ તરફની આંધળી દોટને કારણે આપણે એ વાત ભૂલી ગયા છે. અને એના અવળા તથા કવળા પરિણામો ભોગવ્યા પછી હવે ધીમે ધીમે સમાજમાં એવી જાગૃતિ આવવા માંડી છે કે વૃક્ષમહિમા તરફ વળવું અનિવાર્ય છે.

સરકાર અને સમાજના વૃક્ષ બચાવવાના પ્રયત્ન:-

હવે સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે વૃક્ષોને બચાવવાના. 'વૃક્ષ બચાવો... વૃક્ષ વાવો' એવી ઘોષણા થતી જાય છે. ક્યાંક ક્યાંક તો એવી પ્રતિજ્ઞાઓ લેવાય છે કે દીકરી જન્મી તો ઍને નિમિતે ૧૦ છોડ વાવવા. ક્યાંક પોતાના મૃત સ્વજનની યાદમાં પણ વૃક્ષારોપણ કરાય છે. શાળાઓ-કોલેજો- સામાજિક સંસ્થાઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમો રાખીને સમાજમાં જાગૃતિ ફેલાવે છે.

વૃક્ષોની ઉપયોગિતા:-

વૃક્ષો જેવું કોઈ પરોપકારી નથી. વૃક્ષો આપણા શરીરમાંથી નીકળતા અંગારવાયુને શોષી લઈને આપણને પ્રાણવાયુ કે જેના વિના આપણું જીવન અશક્ય છે એ આપે છે. વૃક્ષનાં પાંદડા, ફળ, ફૂલ, મૂળ, લાકડાં એ બધુ જનહિતાય વપરાતું હોય છે. વૃક્ષો પોતે તડકો વેઠે છે અને સૌને છાયા આપે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો વનવાસીઓને રોજીરોટી પૂરી પાડે છે. વનરાજી પ્રવાસન ઉદ્યોગને આકર્ષે છે. કેટલાય ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ફર્નિચર વિકાસમાં વૃક્ષોનો બહુ મોટો ફાળો છે.

વૃક્ષોમાંથી મળતી વિવિધ પ્રકારની ઔષધિઓ માનવીના રોગોને દૂર કરવામાં ઉપયોગી થાય છે જેમ કે લીમડાનું વૃક્ષ. લીમડાના પાન વડે ચામડીના રોગોમાં રાહત મળે છે. ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાથી તાવ આવતો નથી. બિલિપત્રના વૃક્ષ પર થતાં બિલોરુ દવામાં વપરાય છે. વૃક્ષના માવામાંથી કાગળ બને છે. વૃક્ષોમાંથી મળતો ગુંદર, તજ, ઈલાયચી આહારમાં ઉપયોગી છે. આંબો, ચીકુ, દાડમનાં વૃક્ષો મીઠાં ફળ આપે છે.

ઉપસંહાર:-

આપણે જ્યારથી હવે વૃક્ષોની ઉપયોગિતા સમજયા છીએ ત્યારથી હવે એને આપણા સાચા મિત્ર સમજતા થયા છીએ. ‘વૃક્ષો વાવો જીવ બચાવો' એ સૂત્ર દ્વારા પ્રદૂષણ ઘટાડવા માટેની આહ્લેક જગાવીએ છીએ. આવો, આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે વાર તહેવારે વૃક્ષ રોપીએ અને એનું જતન કરીએ !

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement