વ્યાવસાયિક શિક્ષણનું મહત્ત્વ નિબંધ | ઔધોગિક શિક્ષણની મહત્તા નિબંધ | vyavsayik shikshan nu mahatva nibandh

vyavsayik shikshan nu mahatva nibandh

 

શું તમે ગુજરાતીમાં વ્યાવસાયિક શિક્ષણનું મહત્ત્વ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! 

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ઔધોગિક શિક્ષણની મહત્તા નિબંધ રજુ કર્યો છે અને છેલ્લે Vyavsayik Shikshan Nu Mahatva Nibandh ની PDF પણ Download કરી શકશો.

 પ્રસ્તાવના:- 

કેળવણી એ સંસ્કૃતિનો પાયો છે. જેવી કેળવણી એવી સંસ્કૃતિ. સમાજમાં કેળવણી સમાજની જરૂરિયાત અનુસારની હોવી જોઈએ. કેળવણી એટલે કે શિક્ષણનું ધ્યેય વ્યક્તિના સર્વાંગી વિકાસનું હોય તો જ સમાજનો પણ વિકાસ થઈ શકે.

વર્તમાન શિક્ષણ પદ્ધતિમાંની ઊણપો:-

દેશની પ્રજાને કેવા પ્રકારનું શિક્ષણ અપાય જેને કારણે દેશનો પ્રત્યેક જન આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભો રહે એ જોવાની ફરજ દેશની તત્કાલીન સરકારની છે.

જ્યારે આપણે ત્યાં અંગ્રેજોની સરકાર હતી ત્યારે એ સરકારની જરૂરિયાત અહીંની પ્રજા પાસે એમના વહીવટી કાર્યો કરાવવાની હતી. એટલે એમના દ્વારા જે શિક્ષણનું માળખું તૈયાર કરાયું હતું એ વહીવટી કામગીરી કે પછી કારકુનો કરી શકે એવા પ્રકારની કામગીરીને અનુરૂપ હતું.

ઈ.સ. ૧૯૪૭ માં આપણો દેશ આઝાદ થયો. અંગ્રેજો તો ગયા પણ એમના દ્વારા અપનાવાયેલી શિક્ષણનો પધ્ધતિને હજી આપણે છોડી નથી શક્યા. એ જ કારણ છે કે અત્યારનું શિક્ષણમાળખું જે યુવાનોને તૈયાર કરે છે એ કોઈપણ પ્રકારના વ્યવસાયોને લાયક નથી બનાવતું. હા, સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ વગેરેનું શિક્ષણ માનવીને સંસ્કારી બનાવવામાં જરૂર મદદ કરે જ છે પરંતુ એથી માણસમાં સ્વાવલંબન આવતું નથી. ભાવનાત્મક શિક્ષણ જીવનવ્યવહારમાં ઘણીવાર બિનઉપયોગી બની રહે છે.

આજનું શિક્ષણ માળખું લગભગ મોટે ભાગે પરીક્ષાલક્ષી છે. પરીક્ષામાં સારા ગુણ મેળવી ઉતીર્ણ થનારને જ આજનું શિક્ષણ પોરસાવે છે. પરિણામે આજના શિક્ષણથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થતો નથી. આ શિક્ષણ વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવામાં ઊભું ઊતરે છે. બને છે એવું કે પરીક્ષામાં ખૂબ સારો દેખાવ કરીને ઊંચુ પરિણામ લાવનાર વિદ્યાર્થી એની વ્યાવસાયિક કુશળતાને અભાવે ઘણીવાર આર્થિક રીતે પછાત રહી જાય છે જ્યારે બીજી બાજુ એનાથી વિપરીત પરીક્ષામાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થી પણ એની અંદર પડેલી વ્યાવસાયિક કુનેહને કારણે આર્થિક રીતે પ્રગતિના ઊંચા શિખરો સર કરે એવું સંભવિત છે.

શિક્ષણમાં વ્યાવસાયિક શિક્ષણની અનિવાર્યતા ફાયદા:-

યુનિવર્સિટીઓ દ્વારા આજે અસંખ્ય સ્નાતક - અનુસ્નાતક યુવાનો તૈયાર કરાય છે પણ નોકરીની શોધમાં આમ તેમ ભટકતા તેઓને તેમની લાયકાત પ્રમાણે કામ નથી મળતું.

આ બધાનો સાચો ઉપાય શું ? શું શિક્ષણના માળખામાં આમૂલ પરિવર્તનની જરૂર ખરી ? એનો જવાબ છે 'હા'. આજે હવે વ્યાવસાયિક શિક્ષ્ણનું મહત્ત્વ અને તેની જરૂરિયાત સમાજને ઘણી બધી છે. આજના યુવાન માટે સારી આર્થિક પગભરતા પામવાનો એક માત્ર વ્યવહારુ રસ્તો છે વ્યવસાયલક્ષી શિક્ષણનો.

વિદ્યાર્થીને એના શિક્ષણકાળના છેક આરંભથી એટલે કે પ્રાથમિક કક્ષાથી જ વ્યવસાયલક્ષી શિક્ષણ અપાવું જોઈએ. શાળાના શિક્ષણમાં નાના ગૃહઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોના શિક્ષણને અનિવાર્ય બનાવવું જોઈએ. છેક પ્રાથમિક કક્ષાથી વિદ્યાર્થીનું માનસ વ્યવસાયલક્ષી શિક્ષણથી કેળવાશે તો એનામાં એ અંગેની જાણકારી વધવાને કારણે પોતાને અનુરૂપ ઉદ્યોગ તરફ એ આપોઆપ વળશે.

આપણું પ્રાચીન ભારત અનેક પ્રકારના ઉદ્યોગો – વ્યવસાયોથી ધમધમતું હતું. પ્રાચીન સંસ્કૃતિના અવશેષો બતાવે છે કે ભારત ઉદ્યોગોમાં ખૂબ જ આગળ પડતું હતું. ઢાકાની મલમલ, કાશ્મીરની કારીગરી, પાટણનું વણાટકામ, ખંભાતનું અકીકકામ વખણાતાં. આ બધાને કારણે તો વિશ્વની બીજી પ્રજાઓ ભારત તરફ સમયે સમયે આકર્ષાઈને આવતી હતી.

વ્યાવસાયિક શિક્ષણના ફાયદા અનેકવિધ છે. આવા શિક્ષાને પરિણામે દેશમાં બેકારીનો પ્રશ્ન આપોઆપ ખતમ થઈ જાય છે. યુવાનોનું માનસ સારા, ઊંચા-નીચા એવા ખ્યાલોને છોડીને કોઈપણ વ્યવસાયને ગૌરવપૂર્ણ રીતે અપનાવીને એમાં ઘણું બધું આર્થિક ઉપાર્જન કરી શકે છે.

ઔદ્યોગિક શિક્ષણથી ગૃહ-ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગોને નવું જીવન મળે છે. ઔદ્યોગિક કેળવણીનું ક્ષેત્ર ઘણું બધું મોટું છે. કાંતણ, પીંજણ, સુથારીકામ, ચમારકામ, માટીકામ, દરજીકામ, ખેતીકામ વગેરેનો એમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ, બેકરીની બનાવટો, વાયરમેનનાં કામ, પ્લમ્બિંગના કામ, સાબુ – તેલ – પાઉડર જેવા પ્રસાધનોનાં સાધનો બનાવવાનું કામ, ભરતકામ, મોતીકામ, સીવણકામ, મીણબત્તી તૈયાર કરવી જેવા કામ માટેના અભ્યાસક્રમો તૈયાર કરાવીને ઉપર પ્રમાણે વિદ્યાર્થીઓને શીખવવા જોઈએ. આને કારણે વિદ્યાર્થી ધીરે ધીરે એને ગમતા વ્યવસાયમાં નિપુણતા કેળવી જીવનમાં પ્રગતિ કરી શકશે.

ઉપસંહાર:-

ટૂંકમાં બેકારી, ગરીબી અને મોંધવારી જે આજના ભારતની ઘણી ગંભીર સમસ્યાઓ છે એનો એક માત્ર ઉકેલ આ વ્યવસાયલક્ષી – ઔદ્યોગિક શિક્ષણમાં પડેલો છે. વર્તમાન સરકાર જો શિક્ષા પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરી આવું શિક્ષણ પ્રયોજશે તો ભારતનો આર્થિક વિકાસદર જરૂર ઊંચો આવશે જ !

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement