પતંગોત્સવ પર નિબંધ ગુજરાતી | આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ | પતંગોત્સવ અહેવાલ | ઉતરાયણ વિશે નિબંધ | patangotsav par nibandh in Gujarati

 
patangotsav par nibandh in Gujarati

પ્રસ્તાવના:- 

દેશ અને દુનિયા વૈવિધ્યથી ભરપૂર છે. રોજિંદા જીવનની ઘરેડમાંથી મુક્ત થવા માનવી અવનવા પ્રયોગો કરે છે. ક્યારેક એ પ્રકૃતિને ખોળે જઈ મસ્તી માણૅ છે તો ક્યારેક પોતાને મનગમતું શોપિંગ કરી આનંદ મેળવે છે. ક્યારેક એ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે છે તો ક્યારેક સામાજિક ઉત્સવને માણે છે.

એક સમયે પતંગથી અજાણ:-

મને ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવાના માહાત્મ્યની ખબર નહોતી. એનું કારણ હું મુંબઈમાં વસતી હતી અને જયાં રહેતી હતી ત્યાં પતંગોત્સવ ઉજવાતો જોયો નહોતો પણ છેલ્લા થોડા વર્ષોથી હવે મે અમદાવાદને મારુ નિવાસ-વતન બનાવ્યું છે ત્યારે પહેલીવાર ઉત્તરાયણની ઉજવણી થઈ અને હું આનંદથી મનોમન જાણે પતંગ બની ગઈ !

પતંગોત્સવમાં મળેલું સ્થાન:-

ધીમે ધીમે મેં પતંગ ચગાવતાં શીખી લીધુ. અમદાવાદમાં ત્યારે એક વાર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયેલો, હું એ જોવા ગઈ. એ સમયે મારી સમજ અને પતંગ પ્રત્યેના પ્રેમને જોઈને ઘણા લોકોએ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા મને પ્રોત્સાહિત કરી અને મેં સૌ પ્રથમવાર એક અદ્ભુત રોમાંચ સાથે આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો. મને એ વાતનો અનેરો આનંદ હતો કે આ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેનારી હું પ્રથમ મહિલા બની ! મને મારી પતંગ ચગાવવાની અનેરી ખાસિયતના સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા પ્રથમ મહિલા 'કાઈટ ફલાયર' નો અવોર્ડ પણ મળ્યો.

પતંગના રસને કારણે મળેલી આગવી સિદ્ધિ:-

આ પતંગોત્સવે મારામાં પડેલા પતંગપ્રેમને એક નવી દિશા તરફ વાળવામાં પ્રેરણા પૂરી પાડી. મને મન થયું કે હું પણ આવા પતંગોત્સવ માટે અવનવી ડિઝાઈનના પતંગો મારી રીતે બનાવું તો ? આમ તો નાની હતી ત્યારથી જ મને આર્ટ અને ક્રાફ્ટમાં કુદરતી રીતે જ ઊંડો રસ હતો અને એને આધારે હવે મેં હેન્ડ પેઈન્ટેડ, પેરડ વર્ક તેમજ કલ્ચરલ, કોલાજ વર્ક, કલકારી, નેચર જેવી ઘણી થીમ ઉપર જાતે પતંગ ડિઝાઈન કરવાનું શરૂ કર્યું.

એક વાર પતંગબાજોની કોલાજ કોમ્પિટિશન યોજાયેલી. એમાં મેં શ્રીકૃષ્ણનો ૪ × ૩ મીટરનો જે પતંગ બનાવેલો એણે મને ઈન્ટરનેશનલ કેટેગરીમાં સ્થાન અપાવેલું. હું આ સિવાય પણ ૧ ફૂટથી માંડીને ૧૨ ફૂટ સુધીના અલગ અલગ આકાર અને ડાયમેન્શનના પતંગો બનાવતી થઈ. આજે તો હવે મારા પતંગ જાપાન, બેલ્જિયમ, સ્પેન, યુકે કે પછી થાઈલેન્ડ, તુર્કી અને દુબઈના કાઈટ ફેસ્ટિવલમાં એકસ્પોર્ટ કરું છું. એનાથી મને આર્થિક લાભ પણ થાય છે. અલબત્ત, આર્થિક લાભ એ મારું લક્ષ્ય નથી. પણ આ પતંગ બનાવવામાં મારા મનને એક ઊંડો આનંદ જરૂર અનુભવાય છે.

મન હોય તો માળવે જવાય:-

હું ભારતના દરેક રાજ્યના કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઉં છું. એક ઠેકાણે તો મેં ૧૦૧ પતંગો એક સાથે ચડાવીને ટ્રેઈન કાઈટનો રેકોર્ડ પણ બનાવેલો. મારા કેટલાક પતંગો જુદા જુદા દેશના પતંગ મ્યુઝિયમોમાં પણ રખાયા છે. એ રીતે ભારતદેશનું ગૌરવ વધારવાનો મને જે અવસર પ્રાપ્ત થયો એ મારે માટે ખૂબ જ ગૌરવની વાત બની રહી છે.

ડિઝાઈનર પતંગ બનાવવાના લોજિકની વાત કરું તો તેની પાછળ સાયન્સ અને ગાણિતિક તર્કશાસ્ત્ર રહેલું છે. ગણિત નાં સમીકરણો અને ક્ષેત્રફળનાં સૂત્રનો ઉપયોગ કરીને હું પતંગ બનાવું છું. ૭૦ અંશના ખૂણે ઊડતો પતંગ હવામાં સ્થિર થઈ જાય છે. મારા પતંગ હવાના દબાણથી આકાશમાં લહેરાતા રહે છે.

ઉપસંહાર:-

આજે મને વિચાર આવે છે કે કેટલાંક વર્ષો પહેલાંની હું... જેને પતંગને ઉત્તરાયણમાં આવા ઉમંગથી ચગાવાય એની પણ ખબર નહોતી... એ જ મારામાં જન્મેલા રસને કારણે પતંગક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવનારી વ્યક્તિ બની ગઈ છું. મારો આ વિકાસ જોઈને આપ સૌને હું ફકત એટલું જ કહેવા માગું છું કે 'મન હોય તો માળવે જવાય.' આપ પણ ઈચ્છો તો આ રીતે આપને ગમતા ક્ષેત્રમાં આપનું નામ રોશન કરી શકો છો ! આપ કરશોને ?

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement