ઋતુએ ઋતુએ સવારની પ્રકૃતિક શોભા અને તેના રંગરૂપ નિરાળા હોય છે. એમાય શિયાળાની સવાર સવિશેષ આહલાદક હોય છે. શિયાળાની સવાર સાથે નિસર્ગ અદ્ભુત છટાને પ્રગટ કરતી કવિ કલાપીની પંક્તિઓ માણો:
''ઊગે છે સુરભિ ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,
ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એકે નથી વાદળી.
ઠંડો હિમભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં મીઠાં ગીતડા.''
શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યાસ્ત થતાં જ ચોમેર ઠંડી નું સામ્રાજ્ય ફેલાય જાય છે. રાત્રે કાતિલ ઠંડી નું મોજું ફરી વળે છે. લોકો બારીબારણાં બંધ કરીને ઘરમાં ઢબૂરાઈ જાય છે.રસ્તા નિર્જન થઈ જાય છે. પરોઢિયું થતાં વાતાવરણમાં ફરીથી નવી ચેતના પ્રગટે છે.
શિયાળા માં વહેલી સવારે ખેડૂતો ખેતરે જાય છે. બળદો ની ડોકે બાંધેલા ઘૂઘરા નો ઘમકાર,ઘમ્મર વાલોના નો નાદ સંગીતમય વાતાવરણ સર્જે છે. સાથેસાથે પ્રભાતિયા અને મંદિરો માં મંગળા આરતી વખતે વગાડાતા જાલર તથા ઘંટડીના રણકાર આપણને ભક્તિરસ થી ભીંજવે છે. લોકો ઠેરઠેર તાપણા સળગાવી, તેની આસપાસ ગોઠવાઈ ને ઠંડી થી રાહત મેળવે છે.
શહેર માં શિયાળા ની સવાર જુદી હોય છે. કેટલાક લોકો દોડવા નીકળે છે અથવા 'મોર્નિંગ વોક' માટે નીકળે છે. કેટલાક પ્રૌઢ અને વૃદ્ધ લોકો સડકો પીઆર ફરવા નીકળી પડે છે. ઠંડીમાં ક્યાક સડકને કિનારે ગરીબ લોકો તાપણું સળગાવી તાપતા નજરે પડે છે. એમની પાસે ઓઢવા-પાથરવાની પૂરતી વ્યવસ્થા હોતી નથી. ઠંડીમાં આવા લોકો ઠુંઠવાતા હોય છે.આવા દ્રશ્યો ખરેખર કરુણ હોય છે.
સ્કૂલ બસની રાહ જોતા આંખો ચોળતા બાળકો, ટ્રેન અને બસ પકડવાની લાયમાં ઉતાવળે દોડતા શહેરીજનો, બાળકો અને પતિને માટે ઝટપટ ચા નાસ્તો અને લંચબોક્સ તૈયાર કરતી સ્ત્રીઓ શિયાળાને સવારનું સુખ શું જાણે!એટલે તેઓ શિયાળાની સવારે અડદિયા પાક, વાલમ પાક જેવા પોષણયુક્ત વસાણા ખાઈને સંતોષ મેળવે છે. જોકે, શિયાળાની સવારે ઘણાને હુંફાળી પથારી છોડવી ગમતી નથી. આથી ઘણા લોકો રજાઈ ધાબળા ઓઢી મોડે સુધી નિરાંતે ઘોરતા રહે છે.