વર્ષા નો વૈભવ નિબંધ | મને વરસાદ ભીંજવે | ગુજરાતી નિબંધ વર્ષા ઋતુ | mane varsad bhinjve nibandh gujarati | Varsha Ritu Nibandh In Gujarati | varsha no vaibhav nibandh

Varsha Ritu Nibandh In Gujarati

 

શું તમે ગુજરાતીમાં વર્ષા નો વૈભવ નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો ગુજરાતી નિબંધ વર્ષા ઋતુ રજુ કર્યો છે અને છેલ્લે Essay On Varsha Ritu In Gujarati ની PDF પણ Download કરી શકશો.

પ્રસ્તાવના:-

કુદરતનું ઋતુચક અદ્ભુત છે. ઉનાળો સુકવે છે, શિયાળો સંકોચે છે અને ચોમાસું વરસે છે. ચોમાસું તરસવાની અને વરસવાની મોસમ છે. વર્ષાઋતુના આગમન સાથે ધરતી રોમાંચ અનુભવે છે. ઉનાળાના બળબળતા આકરા તાપ પછી વર્ષાનું આગમન સૌને આનંદિત બનાવે છે.

કુદરતનું ઋતુચક્ર:-

વર્ષાનું સૌંદર્ય માણવું હોય તો ઘરમાં પુરાઈને નહીં માણી શકાય, એને માટે તો વરસાદમાં ભીંજાવું પડે. વર્ષાસૌંદર્યને માણવા માગતું યુવાન હૈયું તો પોતાના પ્રિયજનને આવું નોતરૂ જરૂર આપશે.

"ભીજીએ, ભાઈએ વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં"

વર્ષાના પાણી મન મૂકીને વરસવા માંડે ત્યારે આપણે કહીએ છીએ કે ચોમાસું બેઠું. હકીકતે ચોમાસું બેસતુ નથી, ચોમાસું ઊગે છે, ચોમાસું ખીલે છે, ચોમાસું મહેકે છે. ધનધાન્યથી સોળે કળાએ ખીલી ઉઠેલી ધરતીના રંગઢંગ જ કંઈક જૂદા હોય છે.

પહેલા વરસાદની મહેક:-

પહેલા વરસાદે ઊઠતી ભીની માટીની સુગંધનો કોઈ પર્યાય નથી, કોઈ વિકલ્પ નથી. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતીએ જાણે લીલોછમ શણગાર ધારણ ના કર્યો હોય ! લીલાછમ કુણાકુણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા તો માણવી પડે !

કવિઓની પ્રિય ઋતુ:-

દુનિયાનો કોઈ કવિ એવો નહીં હોય જે વરસાદને જોઈને અંદર બહાર તરબતર થયો ના હોય ! આપણા ગુજરાતી સાહિત્યના વર્ષાપ્રેમી કવિ રમેશ પારેખ ચોમાસામાં ભીંજાવાની આગવી મોજમસ્તીને વર્ણવતાં કહે છે.

"આકળ વિકળ આંખકાન, વરસાદ ભીંજવે,
હાલક ડોલક ભાન સાન, વરસાદ ભીંજવે"

વરસાદ બાળકો માટે છબછબિયાંની મૌસમ છે. ખાબોચિયાના પાણીમાં પગ પછાડવાની મઝા અને આકાશ તરફ મોં રાખી ખૂલી આંખે વરસાદને ઝીલવાની લિજ્જત કંઈ અનેરી જ હોય છે !

વર્ષાનો માનવજીવન ઉપર પ્રભાવ:-

વર્ષાના આગમનની સાથે ધરાનું હૈયું સંતૃપ્ત થવા માંડે છે. મોર અને ચાતક પોતાના ટહુકારથી આનંદને પ્રગટ કરે છે. સમસ્ત સૃષ્ટિમાં નવચેતન પ્રગટે છે. નદીઓ સભર સભર બની જાય છે. વૃક્ષોનાં પાંદડાં જાણે મેકઅપ કર્યો હોય એવાં ચમકી ઊઠે છે. કુદરતે જાણે વર્ષ રૂપી સફાઈ કામદાર એટલા માટે મોકલ્યા હોય છે. કે જે ધરતીના ગંદવાડનો સફાયો કરે !

તહેવારો:-

ભારતીય સંસ્કૃતિમાં વર્ષાઋતુ પ્રત્યેનો આદર અને અહોભાવ વારંવાર પ્રગટતો જોવા મળે છે. આપણા મોટાભાગના તહેવારો વર્ષાઋતુમાં જ આવે છે. રક્ષાબંધન, કૃષ્ણજન્માષ્ટમી, પર્યુષણ, ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં જનજીવન હિલોળે ચડે છે.

અતિવૃષ્ટિનો અત્યાચાર:-

વરસાદ ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસે છે ત્યારે ગામડાઓ અને શહેરોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જાય છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. પૂરનો પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે છે. એને કારણે ક્યારેક ઘણું નુકસાન થાય છે. કાચા મકાનો ધરાશાયી બને છે. ગરીબ લોકોની ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે. ખેતરોમાં ઊભેલો મોલ ધોવાઈ જાય છે.

વરસાદ જ્યારે પોતાના સૌમ્ય રૂપે વરસતો હોય ત્યારે એ સુખકર હોય છે પણ જયારે વર્ષા પોતાના તાંડવ રૂપને પ્રગટ કરે ત્યારે સમસ્ત સૃષ્ટિમાં ભયાનક વિનાશ સર્જાય છે. અષાઢ અને શ્રાવણમાં ધીમી ધારે વરસતો વરસાદ જ્યારે ભાદરવામાં ભરપૂર વરસે છે ત્યારે સાંબેલાધારે વરસતી વર્ષારાણીને જોઈને થાય છે કે પોતાની નાજુક નજાકત છોડીને એણે આ તે કેવું વીફરેલી વાધણનું વિકરાળ રૂપ ધારણ કર્યું !

ઉપસંહાર:-

જેમ વસંતને ઋતુઓના રાજા ગણવામાં આવે છે એમ વર્ષાને ઋતુઓની રાણી ગણવામાં આવે છે. હવા,પાણી અને ખોરાક એ માનવ જીવનની ત્રણ મુખ્ય અને મૂળભૂત જરૂરિયાતો છે. એમાં પાણી અનાજની વિપુલતા વરસાદને આભારી છે. સાચે જ વર્ષાઋતુ અન્નપૂર્ણા છે.

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement