ચૂંટણી લોકશાહીનો પર્યાય પર નિબંધ | Essay on Electoral Democracy Synonym

Essay on Electoral Democracy Synonym

 

ચૂંટણી અને ભારતના મતદારો અથવા શું ભારતમાં ચૂંટણી લોકશાહીનો પર્યાય ? અથવા ચૂંટણીમાં જાગ્રત મતદારની જવાબદારી

મુદ્દા : પ્રાસ્તાવિક - ચૂંટણી લોકશાહીનો ઉત્સવ ક્યારે બને ? - મતદાતાની જાગૃતિ જરૂરી - ભારતના મતદારોમાં નાગરિકભાવનાનો અભાવ - ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ચૂંટવો એ પવિત્ર ફરજ - 

ઉપસંહાર

એક સમય હતો, જયારે ચૂંટણી લોકશાહીનો ઉત્સવ ગણાતી હતી. ચૂંટણી લોકશાહીમાં ઉત્સવ ક્યારે બને ? જ્યારે મતદાતા જાગ્રત હોય. જ્યારે મતદાતાની વિવેકબુદ્ધિ જાગૃત હોય. જ્યારે મતદાતામાં પોતે ચૂંટણી સમયે જેને ચૂંટવાનો છે એ પોતાનો પ્રતિનિધિ સાચા અર્થમાં યોગ્ય હોય. પોતાનો નેતા એવો હોય જેને સત્કર્મની ખુશી થાય અને અચ્છાઈને એ નફરતથી ન જુએ. જેને પોતાના કામ પ્રત્યે આદર હોય અને એના વખાણ થાય તો ઘમંડ ન કરે. જેને મોટા માટે આદર અને નાના માટે સમ્માન હોય, જેનામાં જીતવા માટેની જીદ હોય અને છતાં જો હાર થાય તો એનો સહજ સ્વીકાર હોય, જેને કામકાજમાં બીજાને નીચા દેખાડવાની ભાવના ના હોય. જેને અતિ સંપત્તિમાં અને અપાર સત્તામાં પણ અભિમાન વગર વર્તતાં આવડતું હોય. આવા આદર્શ અને સાચા નેતાની પરખ કરી શકે એવો ઝવેરી હોવો જોઈએ ચૂંટણી સમયે મતદાતા ! અને જયારે આવો મતદાતા હોય અને એના દ્વારા ચૂંટાયેલો નેતા આવો આદર્શ હોય ત્યારે લોકશાહી આદર્શ બને છે અને એ સમયે થતી ચૂંટણી ઉત્સવ બનતી હોય છે.

પણ ઘણા વખતથી આપણા ભારત દેશમાં તો ચૂંટણી એ લોકશાહીનું ફારસ બની ગઈ છે અને દરેક વખતે ફારસનું સ્તર વધુ ને વધુ નીચું ઊતરતું જાય છે. લોકશાહી પુખ્ત થવાને બદલે નાદાન થતી લાગે છે. સોશિયલ મીડિયા જેવાં પરિબળો વળી એને ઓર બહેકાવવાનું કામ કરે છે. કેટલાક શાણા લોકો કહે છે કે સામાન્ય લાગતો ભારતનો મતદાર પુત્ર છે અને તે બહુ શાણપણથી મત આપે છે. આવી માન્યતા દિલ બહેલાવવા પૂરતી, આશ્વાસન મેળવવા કે પછી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા પૂરતી ઠીક છે; પણ એમાં સચ્ચાઈના અંશો ઓછા છે એ કડવું સત્ય સ્વીકારવું પડે એવું છે. સ્વરાજયના સિત્તેર પછી પણ ભારતના મતદારનું નાગરિકમાં રૂપાંતર થવાનું હજુ સંપૂર્ણપણે શક્ય બન્યું નથી. બીજી બાજુ પોતાના રાજકીય સ્વાર્થને બાજુમાં મૂકીને મતદારને જવાબદાર નાગરિકમાં રૂપાંતરિત કરે, જવાબદાર નાગરિક તરીકે એનું ઘડતર કરે, એવા નેતાઓની હારમાળા પણ ભારતમાં સક્રિય થઈ નથી.

ભારતમાં મતદારો મત આપે તેની જાગૃતિ માટે જેટલા કાર્યક્રમ થાય છે તેનાથી દસમા ભાગના પણ તેમને તેમના નાગરિક તરીકેના અધિકાર સમજાવવા માટે થયા હોય તો સારું, પરંતુ આવો કુહાડી પર પગ મારવાનો એટલે કે મતદારોમાં સારી જાગૃતિ આણવાનો ધંધો કયો રાજકીય પક્ષ કરે ? અને શા માટે કરે ? એમને માટે તો એ ખોટનો ધંધો જ બની જાય ને ?

મતદારોને કીમતી અને પવિત્ર મતના ભ્રમમાં એવા રાખવામાં આવે કામ શરૂ થાય છે, પણ પછી પા મતદારની કશી ભૂમિકા બાકી રહે છે, બલ્કે ત્યાર પછી જ મતદારોનું ખરું કામ શરૂ થાય છે, એવો અહેસાસ મોટાભાગના મતદારોને હોતો જ નથી. મત આપી દીધો, શાહીવાળી આંગળીનો ફોટો સોશિયલ મીડિયામાં ચડાવી  દીધો એટલે જાણે કે પોતાનું કામ પૂરું એવું માનતો મતદાર પછી જાણે કે પછી આવતી ચૂંટણી સુધી સંપૂર્ણ નિધિ બની જાય છે !

"આજના રાજકારણીઓને તો એ ખબર જ છે કે આજનો મતદાર ધર્મ, જાતિ-જ્ઞાતિ કે પછી દારૂ કે પૈસાના જોરે જે રસ્તે તેઓ એને દોરવા માગે છે એ રસ્તે એ દોરાઈ જ જવાનો છે ! પણ મતદારે સમજવું પડશે કે ફ પ્રજા તરીકે, મતદાતા તરીકે રાજકારણીઓ દ્વારા આવા કોઈ લાગણીશીલ મુદ્દાઓને ધ્યાનમાં લઈને દોરવાના થતા પ્રયત્નથી દોરવાઈ જવું યોગ્ય છે ખરું ? જે ઉમેદવાર જ્ઞાતિના નામે પ્રજાના ભાગલા પાડીને ગણતરી માંડતા હોય તે પછી વિધાનસભામાં કે લોકસભામાં જઈને નાત-જાતના ગણિત જ માંડશે કે પછી દેશની સમૃદ્ધિ કે સુખાકારી અંગે વિચારશે ? બેશક. એ ઉમેદવાર તો નાત-જાત - જ્ઞાતિને આધારે જ કામ કરશેને કારણ કે એને બીજી વખત ચૂંટાવું છે ! જે ઉમેદવાર ધર્મનો મુદ્દો બનાવીને જીતી જવાની અપેક્ષા રાખતો હોય એ ઉમેદવાર આગળ જઈને શું બધા તરફ સમભાવ રાખતો થઈ જશે ખરો ? સ્પષ્ટ ઉત્તર 'ના' જ હોય ને ? જે ઉમેદવાર કે પક્ષ માત્ર વાણીવિલાસ કરતા હોય, લોકોની લાગણીને છંછેડતા હોય, તેઓ શું સત્તાસ્થાને આવીને શાણા થઈ જશે ? ના, એ તો પોતાનો સ્વભાવ નહીં જ છોડે. તેઓ જેના આધારે ચૂંટણીની વૈતરણી પાર ઊતર્યા, તે પૂંછડું છોડી દે એવા અણસમજુ કે નાદાન નથી.

બીજી બાજુ મતદારોમાંના ઘણા એવા હોય છે જેમને ચૂંટણીમાં મતદાનની જરૂરિયાતનું મહત્ત્વ સમજવું નથી. એ લોકોને ઉમેદવારની યોગ્યાયોગ્યતા વિષે વિચારવાની કંઈ પડી નથી. એ તો જાણે પોતાના વર્તન દ્વારા સૂચવે છે : 'અમારી જિંદગીને સ્પર્શતા ગંભીર મુદ્દા ભલે કોરાણે રહી જાય, હમણાં સુધી રોજેરોજ જેનો ધોખો કરતા હતા એવી સમસ્યાઓ ક્યાં ઊકલી છે કે ઉકલવાની છે? આમેય કોણ આપણાં કામ કરીને ઊંધું વળી ગયું ? એના કરતાં ચૂંટણીની સાઠમારીમાં બે ઘડી મનોરંજન મેળવી લઈએ ને લાગ મળ્યે બે પૈસા મેળવી લઈએ તો એમાં ખોટું શું છે ?'

આવા મતદારો જેમાં દેશ પ્રત્યેની ફરજની કે સાચી નાગરિકતાની ભાવના જ નથી એમની ઉદાસીનતાથી નેતાગીરીના ખોટા મોડેલને જ પ્રોત્સાહન મળે છે ખોટું મોડેલ એટલે જે લોકવિમુખ છે, જે હાઈકમાન્ડ તરફી છે, જેને લોકસેવક નથી બનવું પણ લોકમાલિક બનવું છે એવા નેતાઓને પ્રોત્સાહન આવા મતદારો જ આડક્તરી રીતે નથી આપતા શું ?

સાચું પૂછો તો આમાં વાંક નેતાઓના કરતાં આપણો એટલે કે મતદારોનો જ નથી શું? હકીકતમાં આ નેતાઓ ક્યાંથી આવે છે ? આપણામાંથી જ ને? અને આપણે જ એમને માથે ચઢાવીએ છીએ. મતમહિમાના ગીત ગાતી વખતે, મત આપતી વખતે અને ખાસ તો મત આપી દીધા પછી, પ્રત્યેક મતદારે એ યાદ રાખવાની જરૂર છે કે આ મત આપણે કોઈને આપણા માથે બેસાડવા નથી આપ્યો. તેમને આપણા પ્રતિનિધિ તરીકે નીમીને, તેમની પાસેથી આપણું કામ કરાવવા માટે આપ્યો છે.

કોઈએ સાચું જ કહ્યું છે : ‘નેતાઓ કેવા છે તે જોવાને બદલે પ્રજા તરીકે આપણે કેટલા સજજ છીએ, શાણા છીએ, સમજુ છીએ એ વિચારવું બહુ જરૂરી છે. અન્યની ટીકા કરવી બહુ સહેલી છે, પણ આત્મ નિરીક્ષણનીહિંમત કરવી બહુ જ અધરી છે. આપણે એને જ ચૂંટીએ, જે આપણા માટે યોગ્ય હોય ! 'અને હા, બીજી આ પણ એક સાચી વાત છે કે 'કોઈ નેતા કે રાજકીય પક્ષને આપમેળે નાગરિકોનો ઉદ્ધાર કરવામાં રસ નહીં પડે. તેમની પાસે કામ કરાવવા હોય તો તેમની ભક્તિ કરવાથી નહીં, તેમને માપમાં રાખીને જ કામ કરાવી શકાશે !'

ટૂંકમાં, મતદારે ક્યારેય જાતિ અને ધર્મના નામે થતી અપીલોથી ભરમાવું જોઈએ નહીં. બને તો એમને યોગ્ય જવાબ આપવાની સજાગતા કેળવવી પડશે. અને વળી જે લોકો ચૂંટણી સમયે મતદાન જ નથી કરતા એ પોતાની ફરજ ચૂકે છે. નાગરિક તરીકેનો ધર્મ ચૂકે છે. જે મત નથી આપતા એ મતદારોને પછીની ચૂંટણી સુધી કોઈ ફરિયાદ કરવાનો હક્ક નથી મળતો. જે ફરજ નથી બજાવતા એમને હક્ક ક્યાંથી મળે ? વળી જે મતદાર એમ માને છે કે પોતે વોટ નહીં આપે એનાથી શું ફેર પડવાનો છે? તો એ એની માન્યતા પણ ખોટી છે કારણ કે આપણી ચૂંટણીઓમાં એક મતને કારણે ઉમેદવાર ચૂંટાયા હોવાનું એક નહીં અનેક વખતે બન્યું છે ! 

શ્રી હરદ્વાર ગોસ્વામી કહે છે : 

'મત આપવા જવું એટલે ભારતમાતાના મંદિરે માથું ટેકવવું !'

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી | essay on General Elections in gujarati

#India General Elections 2024

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement