સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી | essay on General Elections in gujarati

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી | essay on General Elections in gujarati

 

સ્વતંત્ર ભારતની ચૂંટણીપ્રથા અથવા ચૂંટણીના મતદાન મથકેથી... અથવા ભારતીય લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા

મુદ્દા : ભૂમિકા - ચૂંટણીપંચનું કાર્યક્ષેત્ર અને કાર્યપ્રણાલી - ચૂંટણીઢંઢેરા, પક્ષના સિદ્ધાંતોનો દસ્તાવેજ ચુંટણી પ્રચાર - નિયત દિવસે મતદાન - નિયત દિવસે મતગણતરી - 

ઉપસંહાર

આપણો ભારત દેશ લોકશાહી દેશ છે. એમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દેશ અને રાજ્યોનું શાસન કરે છે. દેશ ઉપર શાસન કરવા જે પ્રતિનિધિઓની પસંદગી થાય છે એ માટે લોકશાહીમાં ચૂંટણીપ્રથાનો ઉપયોગ કરાય છે. જનતા આ પ્રતિનિધિઓને ચૂંટણીના માધ્યમથી પસંદ કરી ચૂંટે છે.

દેશમાં સમયે સમયે નિષ્પક્ષ અને સમયબદ્ધ રીતે ચૂંટણીઓ થાય એ માટે એક અલગ, સ્વતંત્ર ચૂંટણીપંચ દિલ્હીમાં રચવામાં આવ્યું છે. આ ચૂંટણીપંચના કાર્યક્ષેત્રમાં રાજયોની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અમુક રાજયોની વિધાનપરિષદો વગેરેની ચૂંટણીનું કાર્ય આવે છે. એમાંથી લોકો રાજ્યોની વિધાનસભાઓ અને દેશની લોકસભાના પ્રતિનિધિઓને ચૂંટે છે. આ બધી ચૂંટણીઓ ભારતના બંધારણ ૫૭ પ્રમાણે દર પાંચ વર્ષે થવી જરૂરી છે.

ચૂંટણીપંચનું કાર્ય ખૂબ જ મુશ્કેલ હોય છે કેમ કે એમાં એટલી મોટી સંખ્યામાં લોકો સંકળાયેલા હોય છે કે એ બધાને સાથે રાખીને કામ પાર પાડવાનું અત્યંત કઠિન છે. ચૂંટણીપંચમાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રથી માંડીને કાયમ માટે આ કામગીરી ન કરતા હોય એવા શિક્ષકો - અધ્યાપકો સુધીના સૌ કોઈને જોતરવાના થાય છે. આટલું ભગીરથ કામ ઓછું હોય એમ, ચૂંટણીપંચ ઉપર વધારાની નૈતિક જવાબદારી એ રાજકીય તટસ્થતા જાળવવાની પણ ઉમેરાય છે.'

કેગ' કે અદાલતોની જેમ ભારતનું ચૂંટણીપંચ સ્વતંત્ર, બંધારણીય માળખું છે. તેને રાજકીય નેતાગીરી સાથે સારાસારી રાખવાની જરૂર હોતી નથી કે પોતાની સત્તા માટે રાજકીય નેતાઓ ઉપર આધાર પણ રાખવો પડતો નથી. છતાં, ચૂંટણી વખતે આચારસંહિતાના ભંગના નિર્ણયો બારીક અને ઘણી વાર અર્થઘટનના પ્રશ્ન બનતા હોય, ત્યારે આરોપ થાય અને પગલાં ન લેવાય, તો તેનો ભોગ બનનાર પક્ષને લાગે છે કે પંચ વહેરોઆંતરો રાખે છે, એટલે કોઈએ ચૂંટણીપંચની કામગીરીને વહુ, વરસાદ સાથે સરખાવી છે. જેમ વહુ કે વરસાદ જે પણ કામ કરે એમાં એને ભાગે જશ નહીં પણ જૂતિયાં જ આવે એવું ચૂંટણીપંચ માટે પણ બને છે.

ભારતનું આ ચૂંટણીપંચ જ્યારે જ્યારે વિધાનસભાઓ કે લોકસભાની ચૂંટણી આવવાની હોય ત્યારે ત્યારે સૌ પ્રથમ તો ચૂંટણી માટેના સમયપત્રકો તૈયાર કરે છે. એ પ્રમાણે જુદા પક્ષના ઉમેદવારો કે સ્વતંત્ર ઉમેદવારો પોતપોતાના ઉમેદવારીપત્રક ભરે છે. આ ઉમેદવારીપત્રકો ચકાસાય છે. અમાન્ય ઉમેદવારીપત્ર રદ થતાં એ ઉમેદવારને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવાય. છેલ્લે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે.

ઉમેદવારોની યાદી બહાર પડ્યા પછી રાજકીય પક્ષો પોતપોતાના પક્ષનો ચૂંટણીઢંઢેરો બહાર પાડે છે. એક સમય એવો હતો કે જયારે રાજકીય પક્ષો ચૂંટણીઢંઢેરાને ગંભીરતાથી ઘડતા હતા. એટલું જ નહીં એ ઢંઢેરાના  અમલ માટે મરી ફીટતા હતા. પક્ષના ચૂંટણીઢંઢેરાનો દસ્તાવેજ મહત્ત્વપૂર્ણ ગણાતો હતો, કારણ કે આ ઢંઢેરો જે તે પક્ષની રાજકીય - સામાજિક - આર્થિક દૃષ્ટિની સત્તાવાર જાહેરાત ગણાતો હતો. ઘણી વાર આવા ચૂંટણી. ઢંઢેરા ધડતી વખતે બિનપક્ષીય - બિનરાજકીય નિષ્ણાતોની સલાહ અને મદદ લેવામાં આવતી હતી. પરંતુ હવેના ઘણા વર્ષોથી ચૂંટણીઢંઢેરાનું મહત્ત્વ નબળી અછાંદસ કવિતાઓથી વિશેષ રહ્યું નથી.

ચૂંટણીઢંઢેરો બહાર પડાયા પછી શરૂ થાય છે જે તે પક્ષના ઉમેદવારો માટે ચૂંટણીપ્રચાર. આ પ્રચાર - પશુ જેવો પક્ષ એવો પ્રચાર - હોય છે. બેનરો, સમાચારપત્રો, ચોપાનિયાં, સભાઓ સરઘસો દ્વારા ચૂંટણીપ્રચાર થાય છે. એમાં ય હવે તો ઈન્ટરનેટના માધ્યમને કારણે ચૂંટણીપ્રચારનું કાર્ય વધારે સરળ બન્યું છે. ધીમે ધીમે ચૂંટણીનું વાતાવરણ જામવા માંડે છે. મતદાનના અડતાલીસ કલાક પહેલાં નિયમ પ્રમાણે ચૂંટણીપ્રચાર બંધ થઈ જાય છે.

મતદાનના દિવસે સવારના સાતથી પાંચ અથવા નિયત સમય સુધી મતદારો મતદાનમથકે મત આપવા જાય છે. ભારતના બંધારણ પ્રમાણે ૧૮ વર્ષથી ઉપરના યુવાનો, વૃદ્ધો, અશક્તો, અંધ-અપંગ સૌ નરનારી મતદાન કરી શકે તે માટે જે તે રહેઠાણની નજીકના વિસ્તારની કોઈ મોટી શાળા કે કચેરીમાં મતદાન માટેની સંપૂર્ણ સુવિધાઓ કરાય છે. આ જગ્યાને 'પોલીંગ બૂથ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મતદાનમથકે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શિસ્તબદ્ધ રીતે મતદાન થાય છે. અનેક કર્મચારીઓ મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે. મતદાર સમયપત્રક ઉપર પસંદ હોય તે ઉમેદવારના પ્રતીક ઉપર *X* ના નિશાનવાળો સિક્કો લગાવી ગુપ્ત મતદાન કરે છે. હવે તો ઈલેક્ટ્રોનિક મતદાન યંત્ર EVM પર ક્લિક કરીને મત આપવાની વ્યવસ્થા સુલભ બની છે. મતદાન કરવા આવેલ મતદાતાની ડાબા હાથની પહેલી આંગળી ઉપર શાહીનું ટપકું કરવામાં આવે છે જેથી એકની એક વ્યક્તિ અનેકવાર મતદાન ન કરી શકે.

મતદાનનો સમય પૂરો થતાં દરેક મતદાર મથકેથી મતપેટીઓ સીલ કરી નિયત સ્થળે એકત્ર કરાય છે. નિયત દિવસે સવારથી મતગણતરી શરૂ થાય છે. મતગણતરી પૂરી થયા બાદ વિજયી ઉમેદવારોના નામની ઘોષણા કરાય છે. વિજયી ઉમેદવારોને સત્કારાય છે અને અંતમાં કેન્દ્રમાં કે રાજયમાં બહુમતી ધરાવતો પક્ષ સત્તાનાં સૂત્રો સંભાળે છે. આ છે આપણા ભારતની ચૂંટણીપ્રક્રિયાની પ્રથા.


#India General Elections 2024

વધુ નવું વધુ જૂનું

Sponsered Advertisement